(૬૦) સદકો ફક્ત ભિખારીઓના માટે અને ગરીબોના માટે અને સદકાના કામ કરનારાઓ માટે, અને તેમના માટે જેમના દિલ ડૂબી રહ્યા હોય, અને ગુલામ આઝાદ કરવા અને કરજદાર લોકોના માટે, અને અલ્લાહના માર્ગમાં અને મુસાફરોના માટે છે,[1] આ અનિવાર્ય કર્તવ્ય છે અલ્લાહ તરફથી અને અલ્લાહ ઈલ્મવાળો અને હિકમતવાળો છે.
(૬૧) અને તેમનામાં તે લોકો પણ છે જેઓ પયગંબરને તકલીફ આપે છે અને કહે છે કે કાચા કાનના છે. (તમે) કહી દો કે, “તે કાન તમારી ભલાઈના માટે છે[1] તે અલ્લાહ ઉપર ઈમાન રાખે છે અને મુસલમાનોની વાતોનું યકીન કરે છે અને તમારામાંથી જેઓ ઈમાનવાળા છે તેમના માટે રહમત (દયા) છે અને રસૂલુલ્લાહને જે લોકો તકલીફ આપે છે તેમના માટે પીડાકારી સજા છે.
(૬૨) તેઓ ફક્ત તમને ખુશ કરવા માટે તમારા સામે અલ્લાહની કસમ ખાઈ લે છે, જો તેઓ ઈમાનવાળા હોત તો અલ્લાહ અને તેના રસૂલ વધારે હકદાર છે કે તેઓ તેમને ખુશ કરવાની ફિકર કરે.
(૬૩) શું તેઓ નથી જાણતા કે જે કોઈ અલ્લાહ અને તેના રસૂલનો વિરોધ કરશે તેના માટે બેશક જહન્નમની આગ છે, જેમાં તેઓ હંમેશા રહેનારા છે, આ ઘણું મોટું અપમાન છે.
(૬૪) મુનાફિકો (દંભીઓ)ને (દરેક સમયે) એ ડર રહે છે કે ક્યાંક તેમના (મુસલમાનો) ઉપર કોઈ આયત ન ઉતરે, જે તેમના દિલોની વાતો તેમને બતાવી દે, કહી દો કે તમે મજાક ઉડાવતા રહો, બેશક અલ્લાહ (તઆલા) તેને જાહેર કરવાવાળો છે જેનાથી તમે ડરી રહ્યા છો.
(૬૫) જો તમે તેમને પૂછશો તો સ્પષ્ટ કહી દેશે કે અમે તો આમ જ પરસ્પર મજાક મશ્કરી કરી રહ્યા હતા. કહી દો કે “અલ્લાહ, તેની આયતો અને તેનો રસૂલ જ તમારી મજાક મશ્કરીના માટે બાકી રહી ગયા છે ?”[1]
(૬૬) તમે બહાના ન બનાવો, બેશક તમે ઈમાન લાવ્યા પછી કાફિર થઈ ગયા, જો અમે તમારામાંથી કેટલાક લોકોથી અનદેખી કરી પણ લઈએ તો કેટલાક લોકોને તેમના જુલમની સખત સજા પણ આપીશું. (ع-૮)