(૧૧) શું તમે મુનાકિકો (દંભીઓ) ને નથી જોયા જેઓ પોતાના કિતાબવાળા કાફિર સાથીઓને કહે છે કે જો તમને દેશ-નિકાલ કરવામાં આવશે તો અમે પણ તમારા સાથે દેશ છોડી દઈશું, અને તમારા વિશે કદી પણ કોઈનું કહ્યુ માનીશું નહિં, અને જો તમારાથી યુદ્ધ કરવામાં આવશે તો જરૂર અમે તમારી મદદ કરીશું, પરંતુ અલ્લાહ સાક્ષી આપે છે કે તેઓ તદ્દન જૂઠા છે.
(૧૨) જો તેમને દેશમાંથી કાઢી મૂકવામાં આવશે તો તેમના સાથે જશે નહિં અને જો તેમના સામે યુદ્ધ થઈ જાય તો તેમની મદદ (પણ) નહીં કરે, અને જો (એમ માની પણ લઈએ કે) કદાચ મદદ કરવા આવી ગયા તો પીઠ બતાવીને નાસી જશે. પછી મદદ મેળવી શકશે નહિં.[1]
(૧૩) (મોમિનો ભરોસો રાખો) કે તમારો ડર તેમના દિલોમાં અલ્લાહના ડરથી ખૂબ જ વધારે છે. આ એટલા માટે કે તેઓ સમજતા નથી.[1]
(૧૪) આ બધા ભેગા થઈને પણ તમારાથી લડી શકશે નહિં. પરંતુ એ અલગ વાત છે કે કિલ્લાબંધ વસ્તીઓમાં અથવા દિવાલોની આડમાં હોય, તેમની લડાઈઓ અંદરો અંદર બહુ જ સખત છે. જો કે તમે તેમને સંગઠીત સમજી રહ્યા છો, પરંતુ હકીકતમાં તેમના દિલ એકબીજાથી અલગ છે. આ એટલા માટે કે તેઓ બુદ્ધિ વગરના છે.
(૧૫) તે લોકોની જેમ જ જેઓ આમનાથી થોડા જ સમય પહેલા પસાર થઈ ગયા છે, તેઓએ પોતાના ગુનાહોની મજા ચાખી લીધી છે અને આમના માટે દુઃખદાયી અઝાબ (તૈયાર) છે.
(૧૬) શેતાનની જેમ જ જેણે માણસને કહ્યું કે તું કાફિર થઈ જા, જ્યારે તે કાફિર થઈ ચૂક્યો ત્યારે કહેવા લાગ્યો કે હું તો તારાથી અલગ છું[1] હું તો સમગ્ર દુનિયાના રબથી ડરું છું.
(૧૭) તો બન્નેનું પરિણામ એ આવ્યું કે (જહન્નમની) આગમાં હંમેશના માટે ગયા, અને જાલીમોની આ જ સજા છે. (ع-૨)