(૬૪) (તમે) કહી દો કે, “હે મૂર્ખાઓ! શું તમે મને અલ્લાહના સિવાય બીજાઓની બંદગી માટે કહો છો ?”
(૬૫) અને બેશક તમારા તરફ પણ અને તમારાથી પહેલા (ના તમામ નબીઓ)ના તરફ વહી કરવામાં આવી છે કે જો તમે પણ શિર્ક કર્યુ તો બેશક તમારા કર્મો પણ બરબાદ થઈ જશે અને નિશ્ચિતરૂપે તમે નુકસાન ઉઠાવનારાઓમાં થઈ જશો.[1]
(૬૬) બલ્કે તમે માત્ર અલ્લાહની જ બંદગી કરો અને આભાર માનનારાઓમાંથી થઈ જાઓ.
(૬૭) અને આ લોકોએ જેવી કદર અલ્લાહની કરવી જોઈએ તેવી કદર કરી નથી, સમગ્ર ધરતી કયામતના દિવસે તેની મુઠ્ઠીમાં હશે અને તમામ આકાશો તેના જમણા હાથમાં લપેટાયેલા હશે, તે પવિત્ર અને સર્વોચ્ચ છે તે દરેક વસ્તુથી જેને લોકો તેના ભાગીદાર બનાવે છે.
(૬૮) અને સૂર (રણશિંગુ) ફૂંકી દેવામાં આવશે તો આકાશો અને ધરતીવાળા તમામ બેહોશ થઈ પડી જશે પરંતુ જેને અલ્લાહ ચાહે,[1] પછી બીજીવાર સૂર ફૂંકવામાં આવશે તો અચાનક સૌ ઊભા થઈ જોવા લાગશે.[2]
(૬૯) અને ધરતી પોતાના રબના પ્રકાશથી ઝગમગી ઉઠશે,[1] કર્મપોથીઓ (આમાલનામા) રજૂ કરવામાં આવશે, નબીઓ અને ગવાહોને લાવવામાં આવશે અને લોકોના વચ્ચે ન્યાયપૂર્વક ફેંસલો કરવામાં આવશે અને તેમના ઉપર જુલમ કરવામાં નહિં આવે.
(૭૦) અને જે વ્યક્તિએ જે કંઈ કર્યું છે તેનો પુરેપૂરો બદલો આપી દેવામાં આવશે, અને લોકો જે કંઈ કરી રહ્યા છે તેને તે સારી રીતે જાણવાવાળો છે. (ع-૭)