(૪૧) શું તમે જોતા નથી કે આકાશ અને ધરતીની તમામ સૃષ્ટિ અને પાંખો ફેલાવીને ઉડવાવાળા બધા પક્ષીઓ અલ્લાહની તસ્બીહમાં મગ્ન છે ? દરેક પોતાની નમાઝ અને તસ્બીહની પધ્ધતિ જાણે છે, અને લોકો જે કંઈ કરે છે તેને અલ્લાહ સારી રીતે જાણે છે.[1]
(૪૨) ધરતી અને આકાશોનું રાજ્ય અલ્લાહનું જ છે અને અલ્લાહ (તઆલા) તરફ જ પાછા ફરવાનું છે.
(૪૩) શું તમે જોતા નથી કે અલ્લાહ (તઆલા) વાદળોને ચલાવે છે પછી તેમને જોડે છે, પછી તેમને એકના ઉપર એક કરી દે છે, પછી તમે જુઓ છો કે તેમના વચ્ચેથી વર્ષા થાય છે, તે જ આકાશ તરફથી કરાના પર્વતોમાંથી કરા વરસાવે છે, પછી જેને ચાહે તેમના પાસે તેને વરસાવે અને જેનાથી ચાહે તેનાથી તેને હટાવી દે. વાદળોમાંથી નીકળવાવાળી વીજળીની ચમક એવી હોય છે કે જાણે હવે આંખોની દષ્ટિ લઈ જશે.
(૪૪) અલ્લાહ (તઆલા) જ દિવસ-રાતને ઉલટ ફેર કરતો રહે છે,[1] આંખોવાળા માટે બેશક આમાં બોધપાઠ છે.
(૪૫) તમામ હરતાં-ફરતાં સજીવો અલ્લાહે પાણીમાંથી પેદા કર્યા છે,[1] તેમાંથી કેટલાક પોતાના પેટથી ચાલે છે,[2] કેટલાક બે પગ ઉપર ચાલે છે,[3] કેટલાક ચાર પગ ઉપર ચાલે છે, અલ્લાહ (તઆલા) જે ચાહે છે તે પેદા કરે છે,[4] બેશક અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર સામર્થ્ય ધરાવે છે.
(૪૬) બેશક અમે રોશન અને સ્પષ્ટ આયતો ઉતારી છે, અલ્લાહ (તઆલા) જેને ઈચ્છે સાચો માર્ગ બતાવી દે છે.[1]
(૪૭) અને કહે છે કે, “અમે અલ્લાહ (તઆલા) અને રસૂલ પર ઈમાન લાવ્યા અને ફરમાબરદાર થયા, ત્યારબાદ તેમનામાંથી એક જૂથ આના પછી પણ મોઢું ફેરવી લે છે, આ લોકો ઈમાનવાળા જ નથી.[1]
(૪૮) અને જ્યારે આ લોકોને એ વાત તરફ બોલાવવામાં આવે છે કે અલ્લાહ અને તેનો રસૂલ (તેમના ઝઘડાઓ) નો ફેંસલો કરી દે, તો પણ તેમનું એક જૂથ મોઢું ફેરવનાર બની જાય છે.
(૪૯) અને જો સત્ય તેમના તરફેણમાં હોય તો ફરમાબરદાર બની તેના તરફ ચાલ્યા આવે છે.
(૫૦) શું તેમના દિલોમાં રોગ છે ? કે આ લોકો શંકામાં પડેલા છે ? કે તેમને એ વાતનો ડર છે કે અલ્લાહ (તઆલા) અને તેનો રસૂલ તેમના હકોનો ખાતમો કરી દે ? વાત એમ છે કે આ લોકો પોતે જ મોટા જાલિમ છે. (ع-૬)