Surah Ali 'Imran
સૂરહ આલે ઈમરાન
સૂરહ આલે ઈમરાન
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૩૦) અય ઈમાનવાળાઓ! આ બમણું અને ચોગણું વ્યાજ ન ખાઓ,[58] અને અલ્લાહ (તઆલા)થી ડરો, જેથી તમે સફળતા મેળવો.
(૧૩૧) અને તે આગથી ડરો જે કાફિરો માટે તૈયાર કરવામાં આવી છે.
(૧૩૨) અને અલ્લાહ અને રસૂલના હુકમોનું પાલન કરો, જેથી તમારા ઉપર રહમ(દયા) કરવામાં આવે.
(૧૩૩) અને પોતાના રબની માફીની તરફ અને તે જન્નતની તરફ દોડો,[59] જેની વિશાળતા આકાશો અને ધરતીના બરાબર છે, જે પરહેઝગારો માટે તૈયાર કરવામાં આવી છે.
(૧૩૪) જે લોકો આસાનીમાં અને તકલીફમાં પણ (અલ્લાહના માર્ગમાં) ખર્ચ કરે છે, ગુસ્સાને પી જાય છે, અને લોકોને માફ કરનારા છે. અલ્લાહ આવા પરહેઝગારોને દોસ્ત રાખે છે.[60]
(૧૩૫) જયારે તેમનાથી કોઈ ખરાબ કામ થઈ જાય અથવા ગુનો કરી બેસે, તો જલ્દીથી અલ્લાહની યાદ અને પોતાના ગુનાહોના માટે તૌબા કરે છે,[61] અને હકીકતમાં અલ્લાહ (તઆલા)ના સિવાય ગુનાહોને કોણ માફ કરી શકે છે, અને તેઓ જાણતા હોવા છતાં પોતાના આચરણ પર જિદ કરતા નથી.
(૧૩૬) તેમનો બદલો તેમના પાલનહાર તરફથી માફી અને બાગ છે જેની નીચે નહેરો વહે છે જેમાં તેઓ હંમેશા રહેશે અને સદકાર્યો કરનારાઓ માટે આ કેટલો સારો બદલો છે.
(૧૩૭) તમારા પહેલાથી નિયમ ચાલ્યો આવ્યો છે, તમે ધરતીમાં મુસાફરી કરો તથા જૂઓ કે જેઓ અલ્લાહની આયતોને માનતા ન હતા તેમનો અંજામ કેવો થયો.
(૧૩૮) આ એક વર્ણન છે લોકોના માટે અને પરહેઝગારોના માટે હિદાયત અને નસીહત છે.
(૧૩૯) તમે હિમ્મત ન હારો, ન ચિંતા કરો, જો તમે ઈમાનવાળા હોવ તો તમે જ વિજયી થશો.
(૧૪૦) (આ યુદ્ધમાં) જો તમે ઝખ્મી થયા છો તો તેઓ પણ (બદ્રના યુદ્ધમાં) આ જ રીતે ઝખ્મી થયા છે અને આ દિવસોને અમે લોકોના વચ્ચે અદલ-બદલ કરતા રહીએ છીએ,[62] જેથી અલ્લાહ ઈમાનવાળાઓને (અલગ કરીને) જોઈ લે, અને તમારામાંથી કેટલાકને શહીદ બનાવી દે, અને અલ્લાહ જાલીમોને પસંદ નથી કરતો.
(૧૪૧) અને જેથી અલ્લાહ મોમીનોને અલગ કરી લે અને કાફિરોનો નાશ કરી દે.
(૧૪૨) શું તમે એમ સમજી લીધું કે જન્નતમાં દાખલ થઈ જશો જ્યારે કે હજી અલ્લાહે એ નથી જોયું કે કોણ તમારામાંથી જિહાદ કરે છે અને કોણ સબ્ર કરે છે.
(૧૪૩) અને તમે આના પહેલા મોતની તમન્ના કરતા હતા, હવે તો તમે તેને આંખોથી જોઈ લીધી.