(૫૫) આ જ ધરતીમાંથી તમને અમે પેદા કર્યા અને આમાં જ તમને પાછા લઈ જઈશું, અને આમાંથી જ ફરીવાર તમને સૌને[1] કાઢીશું.
(૫૬) અને અમે તેને બધી નિશાનીઓ બતાવી દીધી, પરંતુ તે ખોટી ઠેરવતો ગયો અને ઈન્કાર કરી દીધો.
(૫૭) કહેવા લાગ્યો, “હે મૂસા! શું તું અમારા પાસે એટલા માટે આવ્યો છે કે અમને પોતાના જાદૂની તાકાતથી અમારા દેશમાંથી કાઢી મૂકે?
(૫૮) ઠીક છે, અમે પણ તારો મુકાબલો કરવા માટે આના જેવું જાદૂ જરૂર લાવીશું, બસ તું અમારા અને તારા વચ્ચે વાયદાનો સમય નક્કી કરી લે કે ન અમે ફરી જઈશું અને ન તું ફરજે, ખુલ્લા મેદાનમાં મુકાબલો હોય.”
(૫૯) (મૂસાએ) જવાબ આપ્યો કે, “સમારોહના દિવસનો વાયદો છે અને એ કે લોકો દિવસ ચઢતાં જમા થઈ જાય.”
(૬૦) પછી ફિરઔન પાછો ગયો અને તેણે પોતાના દાવ-પેચ ભેગા કર્યા, પછી મુકાબલામાં આવી ગયો.
(૬૧) મૂસાએ તેમને કહ્યું કે, “ભાગ્યના ફૂટેલાઓ! અલ્લાહ તઆલા પર જૂઠા આરોપો ન મૂકો કે તે તમને અઝાબથી નાશ કરી દે, યાદ રાખો! તે કદી કામયાબ નહિ થાય જેણે જૂઠી વાત ઘડી.”
(૬૨) પછી આ લોકો પરસ્પર વિચાર-વિમર્શમાં અલગ-અલગ મતના થઈ ગયા અને છુપાઈને અંદરો અંદર મસલત કરવા લાગ્યા.
(૬૩) કહેવા લાગ્યા, “આ બંને ફક્ત જાદૂગર છે અને એમનો મજબૂત ઈરાદો છે કે પોતાના જાદૂની તાકાત વડે તમને તમારા દેશમાંથી કાઢી મૂકે અને તમારા સર્વોચ્ચ ધર્મનો નાશ કરી દે.
(૬૪) તો તમે પણ પોતાનો કોઈ દાવ ઉઠાવીને રાખો, પછી હારબધ્ધ થઈ આવી જાઓ, જે આજે પ્રભાવી થઈ ગયો તે જ સફળતા લઈ ગયો.”
(૬૫) તેઓ કહેવા લાગ્યા કે, “હે મૂસા! તમે પહેલા નાખો અથવા અમે પહેલા નાખીએ.”
(૬૬) જવાબ આપ્યો, “તમે જ પહેલા નાખો.”[1], હવે તો મૂસાને એ ખયાલ આવી ગયો કે તેમની દોરીઓ અને લાકડીઓ તેમના જાદૂની તાકાતથી દોડી રહી છે.[2]
(૬૭) આનાથી મૂસા પોતાના મનમાં ડરવા લાગ્યા.
(૬૮) અમે કહ્યું કે, “ડર નહિ, બેશક તું જ પ્રભાવશાળી અને સન્માનિત હશે.
(૬૯) અને તારા જમણા હાથમાં જે છે તેને નાખી દે, કે તેમની બધી કારીગરીને ગળી જાય, તેમણે જે કંઈ બનાવ્યુ છે તે ફક્ત જાદૂગરોના કરતબ છે, અને જાદૂગર ગમે ત્યાંથી આવે, સફળ નથી થતા.”
(૭૦) હવે તો તમામ જાદૂગર સિજદામાં પડી ગયા અને પોકારી ઉઠ્યા કે, “અમે તો હારૂન અને મૂસાના રબ પર ઈમાન લાવ્યા.”
(૭૧) (ફિરઔન) કહેવા લાગ્યો કે, “મારા હુકમ પહેલા જ તમે તેના પર ઈમાન લઈ આવ્યા ? બેશક આ તમારો મોટો ગુરૂ છે જેણે તમને બધાને જાદૂ શિખવ્યુ છે, (સાંભળી લો) હું તમારા હાથ-પગ ઊલટી દિશામાં કપાવીને તમને બધાને ખજૂરના થડો પર શૂળીએ લટકાવી દઈશ અને તમને પૂરી રીતે જાણ થઈ જશે કે અમારા બંનેમાંથી કોની સજા વધારે કઠોર અને સ્થાયી છે.”
(૭૨) (તેમણે) જવાબ આપ્યો કે, “શક્ય નથી કે અમે તને પસંદગી આપીએ તે દલીલ પર જે અમારા સામે આવી ચૂકી છે અને તે અલ્લાહ પર જેણે અમને પેદા કર્યા, હવે તો તું જે કંઈ કરવા ચાહે કરી લે, તું જે કંઈ હુકમ ચલાવી શકે છે તે આ દુનિયાની જિંદગીમાં જ છે.
(૭૩) અમે (એવી આશાએ) અમારા રબ પર ઈમાન લાવ્યા કે તે અમારી ભૂલોને માફ કરી દે અને ખાસ કરીને જાદૂગરી (નો ગુનોહ) જે કંઈ તેં અમને મજબૂર કરીને કરાવ્યુ છે, અલ્લાહ જ સૌથી શ્રેષ્ઠ અને હંમેશા રહેનાર છે.”
(૭૪) હકીકત એ છે કે જે ગુનેહગાર બની અલ્લાહ (તઆલા)ને ત્યાં જશે, તેના માટે જહન્નમ છે જેમાં ન મોત હશે અને ન જિંદગી.
(૭૫) અને જે તેના પાસે ઈમાનવાળાની હેસિયતે આવશે અને તેણે નેક કામો પણ કર્યા હશે તેના માટે ઉચ્ચ અને શ્રેષ્ઠ દરજ્જાઓ છે.
(૭૬) હંમેશાની જન્નત જેના નીચે નહેરો વહી રહી હશે. તેમાં તેઓ હંમેશા રહેશે, આ બદલો છે તે દરેક માણસનો જે પવિત્ર છે. (ع-૩)