(૩૫) હે મુસલમાનો! અલ્લાહ (તઆલા)થી ડરતા રહો અને તેના તરફ નિકટતા પ્રાપ્ત કરવાની કોશિશ કરો,[35] અને તેના માર્ગમાં જિહાદ કરો જેથી તમે સફળ થાઓ.
(૩૬) યકીન કરો કે કાફિરોના માટે જો તે બધું જ હોય જે સમગ્ર ધરતીમાં છે, અને તેના બરાબર અને વધારે પણ હોય અને તેઓ તે બધાને ક્યામતના દિવસે અઝાબના બદલે ફિદિયામાં આપવા ચાહે તો પણ અશક્ય છે કે તેમનાથી ક્બૂલ કરી લેવામાં આવે, તેમના માટે પીડાકારી સજા છે.
(૩૭) તેઓ ચાહશે કે જહન્નમમાંથી નીકળી જાય, પરંતુ તેઓ કદી પણ તેમાંથી નહિ નીકળી શકે, તેમના માટે તો હંમેશા અઝાબ છે.[36]
(૩૮) ચોર ભલે સ્ત્રી હોય કે પુરૂષ, બંનેના હાથ કાપી નાખો,[37] આ તેમના કરતૂતનો બદલો અને અલ્લાહ તરફથી સજા છે, અને અલ્લાહ (તઆલા) તાકાતવાળો અને હિકમતવાળો છે.
(૩૯) જે કોઈ પોતાના ગુનાહ પછી માફી માંગી લે અને સુધાર કરી લે તો અલ્લાહ (તઆલા) તેની તૌબા કબૂલ કરે છે,[38] બેશક અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન છે.
(૪૦) શું તમને ઈલ્મ નથી કે અલ્લાહ (તઆલા)ના માટે આકાશો અને ધરતીનું રાજ્ય છે ? જેને ઈચ્છે સજા આપે જેને ઈચ્છે માફ કરી દે. અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર વર્ચસ્વ ધરાવે છે.
(૪૧) અય રસૂલ! તમે તેમના માટે દુ:ખી ન થાઓ જેઓ કુફ્રમાં દોડ લગાવી રહ્યા છે જેમણે પોતાના મોઢાંથી કહ્યું કે અમે યકીન કર્યું પરંતુ તેમના દિલોએ યકીન ના કર્યું, અને જેઓ યહૂદી થઈ ગયા, તેમનામાં કેટલાક જૂઠ સાંભળવાના અભ્યાસી અને બીજા લોકોના ગુપ્તચર છે, જેઓ તમારા પાસે નથી આવ્યા, તેઓ શબ્દોને તેની જગ્યાએથી ફેરવી દે છે, કહે છે કે જો તમને હુકમ આપવામાં આવે તો માની લો અને હુકમ આપવામાં ન આવે તો અલગ રહો અને જેને અલ્લાહ ભટકાવવા ઈચ્છે તેના માટે અલ્લાહ ૫૨ તમારો જરા પણ હક નથી, અલ્લાહ તેમના દિલોને પવિત્ર કરવા નથી ચાહતો, તેમના માટે જ દુનિયામાં અપમાન અને આખિરતમાં મોટો અઝાબ છે.
(૪૨) આ લોકો કાન લગાવીને જૂઠ સાંભળવાવાળા[39] અને મન ભરીને હરામ ખાવાવાળા છે, જો તેઓ તમારા પાસે આવે તો તમને હક છે કે તમે ચાહો તો તેમની વચ્ચે ફેંસલો કરી દો ચાહો તો ન કરો, જો તમે તેમનાથી મોઢું ફેરવી પણ લેશો તો પણ તેઓ તમને કોઈ નુકસાન નથી પહોંચાડી શકતા, અને જો તમે ફેંસલો કરો તો તેમનામાં ન્યાયની સાથે ફેંસલો કરો, બેશક ન્યાય કરવાવાળાઓની સાથે અલ્લાહ (તઆલા) મોહબ્બત રાખે છે.
(૪૩) અને (આશ્ચર્યની વાત છે કે) તેઓ કેવી રીતે પોતાના પાસે તૌરાત હોવા છતા, જેમાં અલ્લાહનો હુકમ છે તમને ફેંસલો કરવાવાળા બનાવે છે, ત્યારબાદ પછી પણ તેઓ ફરી જાય છે, હકીકતમાં તેઓ ઈમાનવાળા નથી. (ع-૬)