(૨૧) અને તેનાથી વધીને જાલિમ કોણ છે જે અલ્લાહ ૫૨ જૂઠો આરોપ લગાવે અને તેની નિશાનીઓને જૂઠી ઠેરવે, બેશક જાલિમો કામયાબ થઈ શકતા નથી.
(૨૨) અને જે દિવસે અમે બધાને ભેગા કરીશું, પછી જેમણે શિર્ક કર્યુ તેમને કહીશું તેઓ ક્યાં છે જેમને તમે (અલ્લાહના) ભાગીદાર સમજી રહ્યા હતા (તે દિવસો યાદ છે)
(૨૩) પછી તેમના શિર્કનું એના સિવાય કોઈ બહાનું નહિ હોય કે કહેશે, “અમારા રબ અલ્લાહની કસમ ! અમે મુશરિક ન હતા.” [10]
(૨૪) જુઓ કે તેઓ કેવી રીતે પોતાના ઉપર જૂઠ બોલી ગયા અને તેમનો આરોપ તેમનાથી ખોવાઈ ગયો.
(૨૫) તેમનામાંથી કેટલાક તમારા તરફ કાન ધરે છે,[11] અને અમે તેમના દિલો ૫૨ પડદા નાખી રાખ્યા છે કે તેને સમજે નહિ અને તેમના કાન બહેરા છે, અને તેઓ બધી નિશાનીઓને જોઈ લે તો પણ તેના ઉપર ઈમાન નહિ લાવે, ત્યાં સુધી કે જયારે તમારા પાસે આવે છે તો ઝઘડો કરે છે, કાફિરો કહે છે કે, “આ ફક્ત પહેલાનાઓની કાલ્પનિક વાર્તાઓ સિવાય (બીજુ કશું જ) નથી."
(૨૬) અને આ લોકો આનાથી બીજાઓને પણ રોકે છે અને પોતે પણ દૂર દૂર રહે છે, અને આ લોકો પોતે પોતાની જાતને બરબાદ કરી રહ્યા છે અને કશું સમજતા નથી.
(૨૭) અને જો તમે તે સમયે જોશો કે જયારે તેમને જહન્નમની નજીક ઊભા કરી દેવામાં આવશે ત્યારે કહેશે,[12] “હાય! કેટલી સરસ વાત હોય કે અમને ફરી પાછા મોકલી દેવામાં આવે (અને જો આવું થઈ જાય) તો અમે પોતાના રબની નિશાનીઓને ન જૂઠાડીએ અને અમે ઈમાનવાળાઓમાં સામેલ થઈ જઈએ.
(૨૮) બલ્કે જે વસ્તુને આના પહેલા છૂપાવ્યા કરતા હતા તે તેમના સામે આવી ગઈ છે, જો આ લોકોને ફરી પાછા મોકલી દેવામાં આવે તો પણ તેઓ એ જ કરશે જેનાથી તેમને રોકવામાં આવ્યા હતા અને બેશક તે લોકો જૂઠા છે.
(૨૯) અને તેઓ કહે છે ફક્ત આ દુનિયાની જિંદગી જ અમારી જિંદગી છે અને અમે બીજીવાર જીવતા કરવામાં આવીશું નહિં.
(૩૦) અને જો તમે તે સમયે જોશો જયારે તેમને પોતાના રબના સામે ઊભા કરી દેવામાં આવશે, અલ્લાહ (તઆલા) ફરમાવશે કે, “શું આ સાચું નથી ?” તેઓ કહેશે, “બેશક રબની કસમ સાચું છે." અલ્લાહ (તઆલા) ફરમાવશે, “તો પોતાના કુફ્રનો અઝાબ સહન કરો.” (ع-૩)