(૯૦) બેશક અલ્લાહ (તઆલા) ન્યાયનો, ભલાઈનો અને નજીકના રિશ્તેદારો સાથે સદવર્તન કરવાનો હુકમ આપે છે અને અશ્લિલતાના કાર્યો અને બૂરાઈઓ અને જુલમથી રોકે છે. તે પોતે તમને નસીહત કરી રહ્યો છે જેથી તમે નસીહત પ્રાપ્ત કરો.
(૯૧) અને અલ્લાહ સાથે કરેલા વચનોને પૂરા કરો, જયારે તમે પરસ્પર કરાર કરો, અને સોગંધોને તેની મજબૂતી પછી ન તોડો, જયારે તમે અલ્લાહને પોતાના ઉપર સાક્ષી બનાવી ચૂક્યા છો,[1] તમે જે કંઈ કરો છો અલ્લાહ (તઆલા) તેને સારી રીતે જાણે છે.
(૯૨) અને તે (સ્ત્રી)ની જેમ ન થઈ જતા કે જેણે પોતાનુ સૂતર મજબૂત કાંત્યું છતા પણ ટુકડે ટુકડા કરી તોડીનાખ્યુ કે તમે પોતાની સોગંધોને પરસ્પર દગાબાજીઓનું કારણ બનાવો, એટલા માટે કે એક જૂથ બીજા જૂથથી ઊંચું થઈ જાય, વાત ફક્ત એ જ છે કે આ વચનથી અલ્લાહ તમારી પરીક્ષા લઈ રહ્યો છે, બેશક અલ્લાહ (તઆલા) કયામતના દિવસે તે દરેક વસ્તુને સ્પષ્ટ કરીને વર્ણન કરી દેશે જેમાં તમે મતભેદ કરી રહ્યા હતા.
(૯૩) અને જો અલ્લાહ (તઆલા) ચાહત તો તમને સૌને એક જ ઉમ્મત બનાવી દેતો, પરંતુ તે જેને ચાહે ભટકાવી દે છે અને જેને ચાહે હિદાયત આપે છે, બેશક તમે જે કંઈ કરી રહ્યા છો તેની પૂછપરછ કરવામાં આવશે.
(૯૪) અને તમે પોતાની સોગંદોને પરસ્પર છળકપટનું સાધન ન બનાવો, પછી તો તમારા કદમ મજબૂતી પછી ડગમગી જશે અને તમારે સખત અઝાબ ચાખવો પડશે. કેમકે તમે લોકોને અલ્લાહના માર્ગથી રોકી દીધા અને તમને વધારે સખત અઝાબ થશે.
(૯૫) અને તમે અલ્લાહના વચનને થોડા મૂલ્યના બદલામાં ન વેચી દો. યાદ રાખો અલ્લાહ પાસેની વસ્તુ જ તમારા માટે ઉત્તમ છે જો તમારામાં ઈલ્મ હોય.
(૯૬) તમારા પાસે જે કંઈ છે તે બધું નાશ પામવાનું છે અને અલ્લાહના પાસે જે કંઈ છે તે હંમેશા રહેવાનું છે, અને સબ્ર કરનારાઓને અમે સારા કર્મોનો સારો બદલો જરૂર પ્રદાન કરીશું.
(૯૭) જે વ્યક્તિ નેકીના કામ કરે પછી તે પુરૂષ હોય કે સ્ત્રી, અને તે ઈમાનવાળો હોય તો અમે તેને બેશક સૌથી સારી જિંદગી પ્રદાન કરીશું અને તેમના નેક કામોનો સારો બદલો પણ જરૂર આપીશું.
(૯૮) કુરઆન પઢતી વખતે ધિક્કારેલ શેતાનથી અલ્લાહની પનાહ માગ્યા કરો.
(૯૯) ઈમાનવાળાઓ અને પોતાના રબ પર ભરોસો રાખનારાઓ પર તેનું કદી જોર ચાલતું નથી.
(૧૦૦) હા, તેનું જોર તે જ લોકો પર ચાલે છે જેઓ તેનાથી દોસ્તી કરે અને તેને અલ્લાહનો ભાગીદાર બનાવે. (ع-૧૩)