Surah Nuh
સૂરહ નૂહ
સૂરહ નૂહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) બેશક અમે નૂહ (અ.સ.) ને તેમની કોમ તરફ મોકલ્યા [1] કે પોતાની કોમને ડરાવી દે (અને ચેતવણી આપી દે) તે પહેલા કે તેમના પાસે કષ્ટદાયી અઝાબ આવી જાય.
(૨) (નૂહ (અ.સ.) એ) કહ્યું કે, “હે મારી કોમના લોકો ! હું તમને સ્પષ્ટ રીતે ડરાવવાળો છું.
(૩) કે તમે અલ્લાહની ઈબાદત કરો અને તેનાથી જ ડરો અને મારું કહ્યું માનો. [2]
(૪) તો તે તમારા ગુનાહો માફ કરી દેશે અને તમને એક નિર્ધારિત સમય સુધી મહેતલ આપશે [3] બેશક જયારે અલ્લાહનો વાયદો આવી જાય છે ત્યારે તે અટકશે નહિં, કાશ ! તમે જાણતા હોત.”
(૫) (નૂહે) કહ્યું કે, “હે મારા રબ ! મે મારી કોમને રાત-દિવસ તારા તરફ બોલાવી છે.
(૬) પરંતુ મારા બોલાવવાથી તે લોકો નાસવામાં હદથી વધતા જ રહ્યા. [4]
(૭) અને મેં જ્યારે પણ તેમને તારા માફ કરી દેવા તરફ બોલાવ્યા તો તેમણે પોતાની આંગળીઓ પોતાના કાનોમાં નાંખી દીધી અને પોતાના કપડાંઓને ઓઢી લીધા [5] અને હઠ કરી અને ખૂબ જ અભિમાન કર્યું.
(૮) પછી મેં તેમને મોટા અવાજથી બોલાવ્યા.
(૯) અને બેશક મેં તેમને જાહેરમાં પણ કહ્યું અને ખાનગીમાં પણ.”
(૧૦) અને મેં તેમને કહ્યું કે, “પોતાના રબના પાસે તમારા ગુનાહોની માફી કરાવી લો (અને ક્ષમા માંગો) બેશક તે મોટો માફ કરનાર છે.
(૧૧) તે તમારા ઉપર આકાશને ખૂબ જ વરસતું છોડી મૂકશે. [6]
(૧૨) અને તમને માલ અને સંતાનમાં ખૂબ જ વધારી દેશે અને તમને બાગ આપશે અને તમારા માટે નહેરો વહેતી કરી દેશે.
(૧૩) તમને શું થઈ ગયું છે કે તમે અલ્લાહના ગૌરવમાં વિશ્વાસ રાખતા નથી ?
(૧૪) જો કે તેણે તમને જુદી-જુદી રીતે પેદા કર્યા છે.
(૧૫) શું તમે નથી જોતા કે અલ્લાહ (તઆલા)એ કેવી રીતે એકના ઉપર એક સાત આકાશ પેદા કરી દીધા છે ? [7]
(૧૬) અને તેમાં ચંદ્રને ખૂબ જ ચમકતો બનાવ્યો અને સૂર્યને પ્રકાશિત દીવો બનાવ્યો છે ?
(૧૭) અને તમને ધરતીમાંથી (એક ખાસ રીતે) ઉગાડ્યા છે (અને પેદા કર્યા છે) [8]
(૧૮) પછી તમને તેમાં જ પાછા લઈ જશે અને (એક ખાસ તરીકાથી) પાછા તમને બહાર કાઢશે.
(૧૯) અને તમારા માટે ધરતીને અલ્લાહ (તઆલા) એ પાથરણું બનાવી છે.
(૨૦) જેથી તમે તેના પહોળા રસ્તાઓ પર હરો ફરો. (ع-૧) [9]