Surah At-Tariq
સૂરહ અત્-તારિક
સૂરહ અત્-તારિક
સૂરહ અત્-તારિક (૮૬)
રાત્રે બહાર આવતા તારા
સૂરહ અત્-તારિક[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં સત્તર (૧૭) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
[1] સૂરઃ તારિકઃ- હજરત ખાલિદ ઉદવાનીએ કહ્યું કે મેં રસૂલુલ્લાહ (ﷺ) ને સકીફના બજારમાં ધનુષ્ય અથવા લાકડીના સહારે ઊભેલા જોયા, આપ તેમના પાસે તેમનાથી મદદ લેવા આવ્યા હતા, ત્યાં મેં આપ પાસેથી સૂરઃ તારિક સાંભળી અને મેં તેને યાદ કરી લીધી, જયારે કે હું હજુ મુસલમાન થયો ન હતો, પછી મને અલ્લાહે ઈસ્લામથી સન્માનિત કર્યો અને ઈસ્લામની હાલતમાં મેં તેને પઢી. (મુસનદ અહમદ 4/335)સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) સોગંદ છે આકાશના અને અંધકારમાં પ્રગટ થનારના !
(૨) તમને ખબર પણ છે કે રાત્રે પ્રગટ થનાર તે વસ્તુ કઈ છે ?
(૩) તે ચમકતો તારો છે.[2]
(૪) કોઈ એવું નથી જેના પર રક્ષક (ફરિશ્તો) ન હોય.[3]
(૫) મનુષ્યએ એ જોવું જોઈએ કે તે કઈ વસ્તુમાંથી પેદા કરવામાં આવ્યો છે.
(૬) તે એક ઊછળતા પાણી (વિર્ય)થી પેદા કરવામાં આવ્યો છે.
(૭) જે પીઠ અને છાતીના વચ્ચેથી નીકળે છે.
(૮) બેશક તે તેને ફરીથી પેદા કરવા પર સામર્થ્ય (કુદરત) ધરાવે છે.[4]
(૯) જે દિવસે ગુપ્ત વાતો (રહસ્યો) ની તપાસ થશે.
(૧૦) તો ન કોઈ શક્તિ હશે અને ન કોઈ તેનો મદદગાર હશે.
(૧૧) વરસાદવાળા આકાશના સોગંદ ! [5]
(૧૨) અને ફાટી જનાર ધરતીના સોગંદ ! [6]
(૧૩) બેશક આ (કુરઆન) સ્પષ્ટ ફેંસલો કરવાવાળી વાણી છે.
(૧૪) અને આ હંસી-મજાકની (અને બેકારની) વાત નથી.
(૧૫) પરંતુ તેઓ (કાફિરો) કેટલીક ચાલો ચાલી રહ્યા છે. [7]
(૧૬) અને હું પણ એક ચાલ ચાલી રહ્યો છું.[8]
(૧૭) તમે કાફિરોને મોકો આપો, તેમને થોડા દિવસ માટે છોડી દો. (ع-૧)