(૧૨૭) અને ફિરઔનની કોમના સરદારોએ કહ્યું કે, “શું તમે મૂસા અને તેની કોમને આમ જ છોડી દેશો. જેથી ધરતી પર ફસાદ કરે,[1] અને તમને અને તમારા દેવતાઓને છોડી દે?” (ફિરઔને) કહ્યું કે, “અમે તેમના પુત્રોને કતલ કરીશું અને તેમની સ્ત્રીઓને જીવતી રહેવા દઈશું અને અમે તેમના ઉપર પ્રભાવી છીએ."
(૧૨૮) મૂસાએ પોતાની કોમને કહ્યું કે, “અલ્લાહ (તઆલા)ની મદદ લો અને સબ્ર કરો, આ ધરતી અલ્લાહની જ છે, તે પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે તેનો વારસ બનાવી દે છે અને અંતિમ સફળતા તેમની જ હોય છે જેઓ અલ્લાહથી ડરતા હોય છે.[1]
(૧૨૯) તેમની કોમના લોકોએ કહ્યું કે, “તમારા આગમન પહેલા પણ[1] અમને તકલીફ આપવામાં આવી અને તમારા આગમન પછી પણ”, (મૂસાએ) કહ્યું, “જલ્દી તમારો રબ તમારા દુશ્મનોને બરબાદ કરશે અને આ ધરતીની વિરાસત તમને પ્રદાન કરશે પછી એ જોશે કે તમારા કર્મ કેવા છે.” (ع-૧૫)