(૩૧) અને કાફિરોએ કહ્યું કે, “અમે ન તો આ કુરઆનને માનીશું અને ન આના પહેલાની કિતાબોને.” અને હે જોવાવાળા! કાશ કે તમે આ જાલિમોને તે સમયે જોતા જ્યારે કે તેઓ પોતાના રબ સામે ઊભા રહીને એકબીજા પર દોષારોપણ કરી રહ્યા હશે,[1] કમજોર લોકો મોટા બનેલા લોકોને કહેશે,[2] કે જો તમે ન હોત તો અમે ઈમાનવાળા હોત.
(૩૨) અને આ મોટા બનેલા લોકો કમજોર લોકોને જવાબ આપશે કે, “શું તમારા પાસે હિદાયત આવી ચૂક્યા પછી અમે તમને તેનાથી રોક્યા હતા? બલ્કે તમે પોતે જ અપરાધી હતા.”
(૩૩) (અને આના જવાબમાં) આ કમજોર લોકો તે ઘમંડીઓને કહેશે, “નહિં, બલ્કે રાત-દિવસ છળકપટ થી અમને અલ્લાહ સાથે કુફ્ર કરવા અને તેના સાથે ભાગીદાર ઠેરવવા માટે તમારો આદેશ આપવો અમારી બેઈમાનીનું કારણ બન્યું,[1] અને અઝાબને જોતાં જ સૌ દિલમાં ને દિલમાં જ શરમિંદા થઈ રહ્યા હશે, અને કાફિરોના ગળામાં અમે તોક નાખી દઈશું, તેમને ફક્ત તેમના કરેલા કર્મોનો જ બદલો આપવામાં આવશે.[2]
(૩૪) અને અમે જે વસ્તીમાં જેને પણ સચેત કરનાર મોકલ્યો, તો ત્યાંના સુખી સંપન્ન લોકોએ એમ જ કહ્યું કે, “જે વસ્તુ સાથે તમને મોકલવામાં આવ્યા છે, અમે તેના સાથે કુફ્ર કરનાર છીએ.”[1]
(૩૫) અને કહ્યું કે, “અમે ધન-દોલત અને સંતાનમાં વધારે છીએ, એવું નથી થઈ શકતું કે અમને અઝાબ આપવામાં આવે.”
(૩૬) કહી દો કે, “મારો રબ જેના માટે ચાહે છે રોજીને વિપુલ કરી દે છે અને તંગ પણ કરી દે છે,[1] પરંતુ મોટાભાગના લોકો જાણતા નથી. (ع-૪)