(૧૭૨) અને જ્યારે તમારા રબે આદમની સંતાનની પીઠોમાંથી તેમની સંતતિ (વંશ)ને કાઢી અને તેમનાથી વચન લેવામાં આવ્યું કે, “શું હું તમારો રબ નથી ?” બધાએ જવાબ આપ્યો કે, “કેમ નહિ, અમે બધા સાક્ષી છીએ”, જેથી તમે લોકો કયામતના દિવસે એમ ન કહો કે, “અમે તો આનાથી અજાણ હતા.”
(૧૭૩) અથવા એમ ન કહો કે, “બધાથી પહેલા શિર્ક (અનેકેશ્વરવાદ) તો અમારા બાપ-દાદાઓએ કર્યું અને અમે પછીથી તેમના વંશમાં થયા, તો શું તે ખોટા લોકોના કુકર્મો પર તું અમને બરબાદીમાં નાખી દઈશ?”
(૧૭૪) અને અમે આ રીતે આયતોનું સ્પષ્ટ રીતે વર્ણન કરીએ છીએ જેથી તેઓ પાછા ફરે.
(૧૭૫) અને તે લોકોની સામે તે વ્યક્તિની હાલત પઢીને સંભળાવો કે જેને અમે પોતાની નિશાનીઓ આપી, પછી તે તેનાથી બિલકુલ નીકળી ગયો, છેવટે શેતાન તેની પાછળ લાગી ગયો, ત્યાં સુધી કે તે ભટકેલા લોકોમાં સામેલ થઈ ગયો.[1]
(૧૭૬) અને જો અમે ચાહતા તો તેને આ નિશાનીઓના કારણે ઊંચા પદ પર બેસાડી દેતા. પરંતુ તે તો દુનિયાની મોહ-માયામાં પડી ગયો અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરવા લાગ્યો. તો તેની હાલત કૂતરા જેવી થઈ ગઈ જો તમે તેના ઉપર હુમલો કરો તો પણ હાંફે અથવા તેને છોડી દો તો પણ હાંફે,[1] આવી જ હાલત તે લોકોની છે જેઓ અમારી નિશાનીઓને ખોટી ઠેરવે છે અને તમે આ હાલતનું વર્ણન કરી દો, કદાચ તે લોકો કંઈક વિચારે.
(૧૭૭) તે લોકોની હાલત પણ બૂરી હાલત છે જેઓ અમારી આયતોને ખોટી ઠેરવે છે અને પોતાનું નુકસાન કરે છે.
(૧૭૮) જેને અલ્લાહ તઆલા પોતે હિદાયત આપે છે તેઓ જ હિદાયત પર હોય છે અને જેને (અલ્લાહ તઆલા) ગુમરાહ કરી દે તેઓ જ નુકસાનમાં છે.
(૧૭૯) અને અમે આવા ઘણા જિન્નાતો અને મનુષ્યોને જહન્નમ માટે જ પેદા કર્યા છે, તેમના દિલ એવા છે કે તેનાથી સમજતા નથી, અને તેમની આંખો એવી છે કે તેનાથી જોતા નથી, અને તેમના કાન એવા છે કે તેનાથી સાંભળતા નથી, આ લોકો ચોપગા (જાનવર) જેવા છે બલ્કે એનાથી પણ વધારે ભટકેલા છે,[1] આ લોકો જ ગાફેલ છે.
(૧૮૦) અને સારા નામો અલ્લાહના માટે જ છે એટલા માટે આ નામોથી જ અલ્લાહને પોકારો, અને એવા લોકોથી સંબંધ પણ ન રાખો જેઓ તેના નામોમાં વાંકાપણું કરે છે જે કંઈ તેઓ કરે છે તેનો બદલો પામીને જ રહેશે.
(૧૮૧) અને અમારી સૃષ્ટિમાં એક સમુદાય એવો પણ છે જે સત્ય સાથે માર્ગદર્શન કરે છે અને તેના અનુસાર ન્યાય કરે છે. (ع-૨૨)