(૧૦૫) નૂહની કોમે પણ રસૂલોને ખોટા ઠેરવ્યા.[1]
(૧૦૬) જ્યારે કે તેમના ભાઈ નૂહે કહ્યું કે, “શું તમને અલ્લાહનો ડર નથી?
(૧૦૭) (સાંભળો) હું તમારા તરફ અલ્લાહનો અમાનતદાર રસૂલ છું.
(૧૦૮) એટલા માટે તમારે અલ્લાહથી ડરવું જોઈએ અને મારી વાત માનવી જોઈએ.
(૧૦૯) અને હું તમારા પાસે આના માટે કોઈ બદલો નથી ઈચ્છતો, મારો બદલો તો ફક્ત સમગ્ર દુનિયાના રબ પાસે છે.
(૧૧૦) એટલા માટે તમે અલ્લાહનો ડર રાખો અને મારૂ અનુસરણ કરો.”
(૧૧૧) (કોમે) જવાબ આપ્યો કે, “શું અમે તારા પર ઈમાન લાવીએ? તારૂ અનુસરણ કરનારા તો નીચલા વર્ગના લોકો છે.”
(૧૧૨) નૂહે કહ્યું, “મને શું ખબર કે તેઓ પહેલા શું કરતા રહ્યા ?
(૧૧૩) તેમનો હિસાબ તો મારા રબના શિરે છે જો તમે સમજ ધરાવતા હોવ તો.
(૧૧૪) અને હું ઈમાનવાળાઓને ધુત્કારી કાઢનાર નથી
(૧૧૫) હું તો સ્પષ્ટ રીતે ડરાવનાર છું.”
(૧૧૬) તેમણે કહ્યું, “હે નૂહ ! જો તું ન અટક્યો તો જરૂર તને પથ્થરો મારીને મારી નાખવામાં આવશે.”
(૧૧૭) (નૂહે) કહ્યું, “હે મારા રબ! મારી કોમે મને ખોટો ઠેરવ્યો.
(૧૧૮) એટલા માટે તું મારા અને તેમના વચ્ચે કોઈ નિર્ણયિક ફેંસલો કરી દે અને મને તથા મારા ઈમાનવાળા સાથીઓને છૂટકારો પ્રદાન કરી દે.”
(૧૧૯) છેવટે અમે તેને અને તેના સાથીઓને ભરેલી નૌકામાં (સવાર કરીને) છૂટકારો આપ્યો.
(૧૨૦) અને ત્યારબાદ બાકીના તમામ લોકોને ડૂબાડી દીધા.
(૧૨૧) બેશક આમાં ઘણી મોટી નિશાની છે પરંતુ આમાંના મોટાભાગના લોકો ઈમાન લાવનારા હતા પણ નહિ.
(૧૨૨) અને બેશક તમારો રબ તે જ છે પ્રભુત્વશાળી અને દયાળુ. (ع-૬)