(૯૦) અને હારૂને આના પહેલા જ તેમને કહી દીધુ હતું કે, “હે મારી કોમના લોકો! આ વાછરડાથી તમારી પરીક્ષા કરવામાં આવી છે, તમારો સાચો મા'બૂદ તો અલ્લાહ કૃપાળુ જ છે તો તમે બધા મારૂ અનુસરણ કરો અને મારી વાત માનતા જાઓ.”
(૯૧) તેમણે જવાબ આપ્યો કે, “મૂસાના આવવા સુધી અમે તો આના જ પૂંજારી રહીશું.”
(૯૨) (મૂસા) કહેવા લાગ્યા કે, “હે હારૂન! તેમને ભટકતા જોઈ તમને કઈ વસ્તુએ રોકી રાખ્યા હતા ?
(૯૩) કે તમે મારૂ અનુસરણ ન કર્યુ, શું તમે પણ નાફરમાન બની બેઠાં ?”
(૯૪) (હારૂને) કહ્યું, “હે મારા માડીજાયા ભાઈ! મારી દાઢી ન પકડો, અને માથાના વાળ ન ખેંચો, મને તો ફક્ત એ ખ્યાલ આવ્યો કે ક્યાંક તમે એમ ન કહો કે મેં ઈસરાઈલની સંતાનમાં મતભેદ પેદા કરી દીધો અને મારી વાતની રાહ ન જોઈ.”
(૯૫) (મૂસાએ) પૂછ્યું, “સામરી, તારો શું મામલો છે ?”
(૯૬) (તેણે) જવાબ આપ્યો કે, “મને તે વસ્તુ દેખાઈ જે તેમને ન દેખાઈ, તો મેં અલ્લાહના મોકલેલાના પદચિન્હોની એક મુટ્ઠી માટી ભરી લીધી તેને તેમાં નાંખી દીધી[1] આ રીતે મારા દિલે મારા માટે આ વાત બનાવી દીધી.”
(૯૭) કહ્યું, “ઠીક છે, જા દુનિયાની જિંદગીમાં તારી સજા એ છે કે તું કહેતો રહે કે, “મને અડકશો નહિ” અને એક બીજુ વચન પણ તારા સાથે છે જે તારાથી કદી નહિ ટળે, અને હવે તું પોતાના મા'બૂદને પણ જોઈ લેજે જેનો તું પૂંજારી બનેલો હતો, અમે તેને સળગાવી દઈશું પછી તેને નદીમાં કણ[1] કણ કરીને ઉડાવી દઈશું.
(૯૮) બેશક તમારા બધાનો સાચો મા'બૂદ ફક્ત અલ્લાહ જ છે, તેના સિવાય કોઈ મા'બૂદ નથી, તેનું ઈલ્મ તમામ વસ્તુઓ પર પ્રભાવી છે.
(૯૯) આ રીતે અમે તમારા સામે પહેલાની વીતી ગયેલી ઘટનાઓની ખબરોનું વર્ણન કરીએ છીએ અને બેશક અમે તમને અમારા પાસેથી નસીહત પ્રદાન કરેલ છે.
(૧૦૦) તેનાથી જે કોઈ મોઢું ફેરવશે તે બેશક કયામતના દિવસે પોતાનો ભારે બોજ લાદેલો હશે.
(૧૦૧) જેમાં હંમેશા રહેશે, અને તેમના માટે કયામતના દિવસે (ઘણો) બૂરો બોજ હશે.
(૧૦૨) જે દિવસે રણશિંગું ફૂંકવામાં આવશે અને ગુનેહગારોને અમે તે દિવસે એવી હાલતમાં ઘેરી લાવીશું કે તેમની આંખો (ડરના કારણે) પથરાઈ ગઈ હશે.
(૧૦૩) તેઓ પરસ્પર ધીમેથી કહી રહ્યા હશે કે, “અમે તો (સંસારમાં) ફક્ત દસ દિવસ જ રહ્યા.”
(૧૦૪) જે કંઈ તેઓ કહી રહ્યા છે તેની હકીકત અમને ખબર છે, તેમનામાં સૌથી ઉત્તમ માર્ગવાળો કહી રહ્યો હશે કે, “તમે ફક્ત એક જ દિવસ રહ્યા.” (ع-૫)