(૧૧) અલ્લાહ (તઆલા) જ સૃષ્ટિને પેદા કરે છે, પછી તે જ તમને ફરીથી પેદા કરશે,[1] પછી તમે બધા તેના તરફ જ પાછા ફેરવવામાં આવશો.
(૧૨) અને જે દિવસે કયામત સ્થાપિત થશે, તો મુજરિમો હેરાન રહી જશે.[1]
(૧૩) અને તેમના તમામ ભાગીદારોમાંથી એક પણ તેમની ભલામણ નહિ કરે,[1] અને તેઓ પણ પોતાના મા'બૂદો (દેવતાઓ)નો ઈન્કાર કરશે.
(૧૪) અને જે દિવસે કયામત સ્થાપિત થશે, તે દિવસે (તમામ મનુષ્યો) જુદા જુદા જૂથોમાં વહેંચાઈ જશે.[1]
(૧૫) પછી જે લોકો ઈમાન લાવીને નેક કામ કરતા રહ્યા, તેમને તો જન્નતમાં ખુશ કરી દેવામાં આવશે.
(૧૬) અને જેમણે કુફ્ર કર્યુ હતુ અને અમારી આયતોનો અને આખિરતની મુલાકાતનો ઈન્કાર કર્યો હતો, તેમને અઝાબમાં પકડી હાજર કરવામાં આવશે.
(૧૭) તો અલ્લાહ (તઆલા)ની પ્રશંસા કર્યા કરો, જયારે તમે સાંજ કરો છો અને જયારે સવાર કરો છો.
(૧૮) અને તમામ પ્રશંસાના લાયક આકાશો અને ધરતીમાં તે જ છે ત્રીજા પહોરના અને બીજા પહોરના સમયે પણ તેની પવિત્રતાનું વર્ણન કરો.
(૧૯) તે જ સજીવને નિર્જીવમાંથી કાઢે છે,[1] અને નિર્જીવને સજીવમાંથી કાઢે છે, અને તે જ ધરતીને તેના મૃત્યુ પછી જીવન પ્રદાન કરે છે, આવી જ રીતે તમે પણ કાઢવામાં આવશો. (ع-૨)