(૧૧) હે ઈમાનવાળાઓ! ન પુરૂષો બીજા પુરૂષોનો મજાક ઉડાવે, શક્ય છે કે તેઓ તેમનાથી સારા હોય,[1] અને ન સ્ત્રીઓ બીજી સ્ત્રીઓનો મજાક ઉડાવે, શક્ય છે કે તેઓ તેમનાથી સારી હોય, અને પરસ્પર એકબીજા પર આરોપ ન લગાવો અને ન કોઈને બૂરો લકબ આપો, ઈમાન પછી ફિસ્ક (બૂરો શબ્દ) બૂરું નામ છે,[2] અને જો માફી ન માંગે તો તેઓ જ જાલિમ છે.
(૧૨) હે ઈમાનવાળાઓ ! બહુ અનુમાન કરવાથી બચો, વિશ્વાસ રાખો કે કેટલાક અનુમાનો ગુનાહ છે,[1] અને ભેદ ન શોધ્યા કરો,[2] અને ન તમારામાંથી કોઈ કોઈની ગીબત (પીઠ પાછળ નિંદા) કરે,[3] શું તમારામાંથી કોઈપણ પોતાના મરેલા ભાઈનું માંસ ખાવાને સારુ સમજે છે ? તમને તેનાથી નફરત હશે,[4] અને અલ્લાહથી ડરતા રહો, બેશક અલ્લાહ (તઆલા) તૌબા કબૂલ કરનાર અને દયાળુ છે.
(૧૩) હે લોકો! અમે તમને એક (જ) પુરૂષ અને સ્ત્રીમાંથી પેદા કર્યા છે,[1] અને તમારી જાતિઓ અને પ્રજાતિઓ બનાવી દીધી છે જેથી તમે એકબીજાને ઓળખો. અલ્લાહની નજરમાં તમારા બધામાં ઈજ્જતવાળો તે છે જે સૌથી વધારે પરહેઝગાર છે.[2] યકીન કરો કે અલ્લાહ જાણવાવાળો બાખબર છે.
(૧૪) આ બદ્દુઓ કહે છે કે, “અમે ઈમાન લાવ્યા”, (તમે) કહી દો કે, “તમે ઈમાન નથી લાવ્યા. પરંતુ તમે એમ કહો કે અમે ઈસ્લામ લાવ્યા (વિરોધ છોડીને આજ્ઞાંકિત થઈ ગયા)” જ્યારે કે હજુ સુધી ઈમાન તમારા દિલોમાં દાખલ થયુ જ નથી,[1] તમે અલ્લાહ અને તેના રસૂલના હુકમોનું પાલન કરશો તો અલ્લાહ તમારા કર્મોમાંથી કશું પણ ઓછું નહિ કરે, બેશક અલ્લાહ (તઆલા) માફ કરનાર દયાળુ છે.
(૧૫) ઈમાનવાળા લોકો તો તે જ છે જેઓ અલ્લાહ પર અને તેના રસૂલ પર ઈમાન લાવ્યા, પછી શંકા ન કરી અને પોતાના માલ અને જાન વડે અલ્લાહના માર્ગમાં જિહાદ કરતા રહ્યા (પોતાના ઈમાનના દાવામાં) તે લોકો જ સાચા છે.
(૧૬) કહી દો કે, “શું તમે અલ્લાહને પોતાની દીનદારીથી પરિચિત કરાવી રહ્યા છો ?” અલ્લાહ દરેક વસ્તુને સારી રીતે જાણે છે જે આકાશોમાં અને ધરતીમાં છે, અને અલ્લાહ દરેક વસ્તુને જાણનાર છે.
(૧૭) આ લોકો પોતાના મુસલમાન થવાનો તમારા પર ઉપકાર ચઢાવે છે (તમે) કહી દો કે તમારા મુસલમાન થવાનો ઉપકાર મારા પર ન મૂકો બલ્કે અલ્લાહનો તમારા ઉપર ઉપકાર છે કે તેણે તમને ઈમાન તરફ હિદાયત આપી જો તમે સાચા છો.
(૧૮) વિશ્વાસ રાખો કે આકાશો અને ધરતીની છૂપી વાતો અલ્લાહ સારી રીતે જાણે છે અને જે કંઈ તમે કરી રહ્યા છો તેને અલ્લાહ સારી રીતે જોઈ રહ્યો છે. (ع-૨)