અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) અલિફ. લામ. મીમ.
(૨) શું લોકો એવું સમજી બેઠા છે કે તેમના ફક્ત એટલું કહેવા પર છોડી દેવામાં આવશે કે, “અમે ઈમાન લાવ્યા” અને તેમને અજમાવવામાં નહિ આવે ?[1]
(૩) આમનાથી પહેલાના લોકોને પણ અમે સારી રીતે પારખ્યા, બેશક અલ્લાહ (તઆલા) એમને પણ જાણી લેશે જેઓ સાચા છે અને એમને પણ જાણી લેશે જેઓ જૂઠા છે.
(૪) શું જે લોકો બૂરા કામો કરી રહ્યા છે તેમણે એવું સમજી લીધું છે કે તેઓ અમારા કાબૂથી બહાર થઈ જશે ? આ લોકો કેવો બૂરો વિચાર કરી રહ્યા છે.
(૫) જે કોઈ અલ્લાહને મળવાની અપેક્ષા રાખતો હોય તો અલ્લાહે નિર્ધારિત કરેલ સમય જરૂર આવવાનો જ છે,[1] તે બધું જ સાંભળનાર અને જાણનાર છે.
(૬) અને દરેક કોશિશ કરવાવાળા પોતાના જ ભલા માટે કોશિશ કરે છે, બેશક અલ્લાહ (તઆલા) દુનિયાના તમામ લોકોથી બેનિયાઝ છે.[1]
(૭) અને જે લોકોએ વિશ્વાસ કર્યો અને (સુન્નત અનુસાર) સારા કર્મો કર્યા, અમે તેમના તમામ ગુનાહોને તેમનાથી દૂર કરી દઈશું અને તેમને તેમના સારા કર્મોનો સારો બદલો આપીશું.
(૮) અમે દરેક મનુષ્યને પોતાના માતા-પિતા સાથે સદવર્તન કરવાની તાકીદ કરી છે,[1] પરંતુ જો તેઓ એવી કોશિશ કરે કે તમે મારા સાથે તેને સામેલ કરી લો જેનું તમને ઈલ્મ નથી તો તેમનું કહેવાનું ન માનો,[2] તમારે બધાએ મારા તરફ જ પાછા ફરવાનું છે, પછી હું તે દરેક વાત તમને જણાવી દઈશ જે તમે કરતા હતા.
(૯) અને જે લોકોએ ઈમાન કબૂલ કર્યુ અને નેક કામ કર્યા, તેમને અમે અમારા નેક બંદાઓ (સદાચારીઓ)માં સામેલ કરી લઈશું.
(૧૦) અને કેટલાક લોકો એવા પણ છે જેઓ (મોઢાંથી) કહે છે કે અમે ઈમાન લાવ્યા છીએ પરંતુ જ્યારે અલ્લાહના માર્ગમાં કોઈ તકલીફ આવી પડે છે તો લોકોએ આપેલ તકલીફને અલ્લાહ (તઆલા)ના અઝાબ સમાન સમજી લે છે, પરંતુ જો અલ્લાહની મદદ આવી જાય તો પોકારી ઉઠે છે કે, “અમે તો તમારા સાથી જ છીએ.” શું તમામ મનુષ્યોના દિલોમાં જે કંઈ છે તેને અલ્લાહ (તઆલા) જાણતો નથી?
(૧૧) અને જે લોકો ઈમાન લાવ્યા, અલ્લાહ તેમને પણ જાણીને રહેશે અને દંભીઓ (મુનાફિકો)ને પણ જાણીને રહેશે.[1]
(૧૨) અને કાફિરોએ ઈમાનવાળાઓને કહ્યું કે, “તમે અમારા માર્ગનું અનુસરણ કરો, તમારા ગુનાહ અમે ઉઠાવી લઈશું, જ્યારે કે તેઓ તેમના ગુનાહોમાંથી કંઈ પણ નથી ઉઠાવવાના, તેઓ તો તદન જૂઠા છે.
(૧૩) હાં, આ લોકો પોતાનો બોજ ઉઠાવી લેશે અને પોતાના બોજ ઉપરાંત બીજા બોજ ૫ણ[1] અને જે કંઈ જૂઠ ઘડી રહ્યા છે તેના માટે તેમનાથી પૂછતાછ થશે. (ع-૧)