અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) આકાશો અને ધરતીમાં જે કંઈ છે (બધા જ) અલ્લાહની તસ્બીહ કરી રહ્યા છે અને તે શક્તિશાળી, હિકમતવાળો છે.
(૨) આકાશો અને ધરતીનું રાજય તેનું જ છે, તે જ જીવન આપે છે અને મૃત્યુ પણ, અને બધી જ વસ્તુ પર સામર્થ્ય (કુદરત) ધરાવે છે.
(૩) તે જ પહેલો છે અને તે જ છેલ્લો, તે જ જાહેર છે અને તે જ છુપાયેલ[1] (ગુપ્ત), અને તે જ દરેક વસ્તુને સારી રીતે જાણનાર છે.
(૪) તે જ છે જેણે આકાશો અને ધરતીને છ દિવસમાં બનાવ્યા, પછી અર્શ પર કાયમ થયો, તે (સારી રીતે)જાણે છે તે વસ્તુને જે ધરતીમાં દાખલ થાય છે અને તેમાંથી નીકળે અને જે આકાશમાંથી નીચે ઉતરે અને જે કંઈ તેના પર ચઢીને તેમાં જાય, અને તમે જ્યાં પણ હોવ તે તમારા સાથે જ છે[1] અને જે કંઈ પણ તમે કરી રહ્યા છો તેને અલ્લાહ જોઈ રહ્યો છે.
(૫) આકાશો અને ધરતીનું રાજ્ય તેનું જ છે, અને બધા જ કામ તેના તરફ રજૂ કરવામાં આવે છે.
(૬) તે જ રાત્રીને દિવસમાં દાખલ કરે છે અને તે જ દિવસને રાત્રીમાં દાખલ કરે છે, અને દિલોમાં છૂપાયેલ વાતોનું તે સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે.
(૭) અલ્લાહ પર અને તેના રસુલ પર ઈમાન લાઓ અને તે માલમાંથી ખર્ચ કરો જેમાં અલ્લાહે તમને (બીજાના) વારસદાર બનાવ્યા છે,[1] તો તમારામાંથી જે કોઈ ઈમાન લાવે અને ખર્ચ કરે તેમને ખૂબ જ મોટો બદલો મળશે.
(૮) તમે અલ્લાહ પર ઈમાન કેમ નથી લાવતા ? જ્યારે કે રસુલ પોતે તમને અલ્લાહ પર ઈમાન લાવવા માટે આમંત્રણ આપી રહ્યા છે અને જો તમે ઈમાનવાળા છો તો તે તમારાથી પાકો વાયદો પણ લઈ ચૂક્યો છે.
(૯) તે (અલ્લાહ) જ છે જે પોતાના બંદા પર સ્પષ્ટ આયતો મોકલે છે જેથી તે તમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, બેશક અલ્લાહ (તઆલા) તમારા પર માયાળુ અને દયાળુ છે.
(૧૦) અને તમને શું થઈ ગયું છે કે તમે અલ્લાહના માર્ગમાં ખર્ચ નથી કરતા ? હકીકતમાં આકાશો અને ધરતીની (બધી) મિલ્કત (વસ્તુઓ)નો માલિક (એકલો) અલ્લાહ જ છે તમારામાંથી જે લોકોએ (મક્કાના) વિજય પહેલા અલ્લાહના માર્ગમાં જે કંઈ પણ આપ્યું છે અને જિહાદ કર્યો છે તેઓ (બીજાના) બરાબર નથી,[1] પરંતુ તેમનાથી ખૂબ ઊંચા દરજ્જા પર છે જેમણે વિજય પછી દાન કર્યું અને જિહાદ કર્યો. હા, ભલાઈનો વાયદો તો અલ્લાહ (તઆલા) નો તે બધાથી જ છે,[2] અને જે કંઈ તમે (લોકો) કરી રહ્યા છો તેને અલ્લાહ જાણે છે. (ع-૧)