અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) ચોક્કસ અલ્લાહે તે સ્ત્રીની વાત સાંભળી, જે તમારાથી તેના પતિ વિશે ઝઘડો કરી રહી હતી અને અલ્લાહના સામે ફરિયાદ કરી રહી હતી, અલ્લાહ (તઆલા) તમારા બંનેની વાતચીત સાંભળી રહ્યો હતો.[1] બેશક અલ્લાહ (તઆલા) સાંભળવાવાળો અને જોવાવાળો છે.
(૨) તમારામાંથી જે લોકો પોતાની પત્નીઓથી જિહાર કરે છે (એટલે કે તેમને માતા કહી બેસે છે) તે હકીકતમાં તેમની માતાઓ નથી હોતી, તેમની માતાઓ તો તે છે જેમના ગર્ભમાંથી તેમણે જન્મ લીધો છે,[1] બેશક આ લોકો અનુચિત અને જૂઠી વાત કહે છે. બેશક અલ્લાહ (તઆલા) ક્ષમાશીલ અને માફ કરનાર છે.
(૩) અને જે લોકો પોતાની પત્નીઓથી જિહાર કરે અને પછી પોતે કરેલી વાત પાછી લઈ લે તો તેમના ઉપર પરસ્પર એકબીજાને હાથ લગાવતા પહેલા એક દાસ (ગુલામ) આઝાદ કરવાનો છે. આના વડે તમને નસીહત આપવામાં આવે છે અને અલ્લાહ (તઆલા) તમારા બધા જ કર્મોને જાણે છે.
(૪) હાં, જો માણસ (ગુલામ) ન મળે તો તેમના ઉપર સળંગ બે મહિનાના રોઝા છે એના પહેલા કે એકબીજાને હાથ લગાવે અને જે વ્યક્તિ આની પણ તાકાત રાખતો ન હોય તો તેના ઉપર સાહીઠ ગરીબોને ખાવાનું ખવડાવવાનું છે આ એટલા માટે કે તમે અલ્લાહ પર અને તેના રસૂલ પર ઈમાન લાવો. આ અલ્લાહ (તઆલા)ની નક્કી કરેલ હદો છે અને કાફિરો માટે દુઃખદાયી અઝાબ છે.
(૫) બેશક જે લોકો અલ્લાહ અને તેના રસૂલોનો વિરોધ કરે છે તેમને અપમાનિત કરવામાં આવશે. જેવા કે તેમનાથી પહેલાના લોકોને અપમાનિત કરવામાં આવ્યા,[1] અને બેશક અમે સ્પષ્ટ નિશાનીઓ ઉતારી ચૂક્યા છીએ અને કાફિરો માટે અપમાનિત કરવાવાળો અઝાબ છે.
(૬) જે દિવસે અલ્લાહ (તઆલા) તે બધાને ઉઠાડશે પછી તેમને તેમના કરેલા કર્મો બતાવવામાં આવશે, (જેને) અલ્લાહે ગણી રાખેલ છે અને જેને તેઓ ભૂલી ગયા હતા.[1] અને અલ્લાહ (તઆલા) દરેક વસ્તુથી માહિતગાર છે.(ع-૧)