(૬૯) અને અમારા મોકલેલા રસૂલ ઈબ્રાહીમના પાસે ખુશખબર લઈને પહોંચ્યા.[1] અને સલામ કરી, તેમણે પણ સલામનો જવાબ આપ્યો અને થોડીક વારમાં શેકેલું વાછરડું લઈ આવ્યા.[2]
(૭૦) હવે જોયું કે તેમના તો હાથ પણ તેના સુધી નથી પહોંચી રહ્યા, તો તેમને અજાણ્યા જાણી દિલમાં તેમનાથી ગભરાવા લાગ્યા[1] તેમણે કહ્યું, “ડરો નહિ, અમે તો લૂતની કોમ તરફ મોકલવામાં આવ્યા છીએ.”
(૭૧) અને તેમની પત્ની જે ઊભી હતી તે હસી પડી,[1] તો અમે તેને ઈસ્હાક અને તેના પછી યાકૂબની ખુશખબર આપી.
(૭૨) તે કહેવા લાગી, “હાય બદનસીબી! મારે ત્યાં ન થઈ શકે છે ? હું પોતે ઘરડી અને મારા પતિ પણ મોટી ઉંમરના છે, બેશક આ ઘણી આશ્ચર્યની વાત છે.”[1]
(૭૩) (ફરિશ્તાઓએ) કહ્યું, “શું તું અલ્લાહના આદેશ પર આશ્ચર્ય કરી રહી છે ?, હે આ ઘરના લોકો ! તમારા ઉપર અલ્લાહની કૃપા અને બરકતો ઉતરે,[1] બેશક તમામ પ્રશંસા અને પ્રતિદઠા અલ્લાહના માટે જ છે.”
(૭૪) જયારે ઈબ્રાહીમનો ડર દૂર થઈ ગયો અને તેમને ખુશખબર પણ પહોંચી ચૂકી તો અમારાથી લૂતની કોમ વિષે કેહવા-સાંભળવા લાગ્યા.[1]
(૭૫) બેશક ઈબ્રાહીમ ઘણા સહનશીલ અને નરમ દિલના અને અલ્લાહ તરફ ઝૂકવાવાળા હતા.
(૭૬) હે ઈબ્રાહીમ! આ ઈરાદાને છોડી દો, તમારા રબનો હુકમ આવી પહોંચ્યો છે, અને તેમના ઉપર પાછો ફેરવવામાં ન આવે તેવો અઝાબ જરૂર આવવાનો છે.
(૭૭) અને જ્યારે અમારા મોકલેલા ફરિશ્તાઓ લૂતના પાસે પહોંચ્યા તો તેમના કારણે તે ઘણા દુઃખી થઈ ગયા, અને દિલમાં ગભરાવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આજનો દિવસ મોટી મુસીબતનો દિવસ છે.
(૭૮) અને તેમની કોમ તેમના તરફ દોડતી આવી, તેઓ તો પહેલાથી જ બૂરાઈઓમાં લિપ્ત હતા, (લૂતે) કહ્યું કે, “હે મારી કોમના લોકો! આ છે મારી પુત્રીઓ જે તમારા માટે ઘણી પવિત્ર છે, અલ્લાહથી ડરો અને મને મારા મહેમાનોના વિશે અપમાનિત ન કરો, શું તમારામાં એક પણ ભલો માણસ નથી?”
(૭૯) તેમણે જવાબ આપ્યો, “તમે સારી રીતે જાણો છો કે અમને તો તમારી પુત્રીઓ પર કોઈ અધિકાર જ નથી અને તમે અમારી અસલ મરજીથી વાકેફ છો.”
(૮૦) (લૂતે) કહ્યું, “કાશ! મારામાં તમારા સાથે લડવાની તાકાત હોત અથવા હું કોઈ મજબૂત પનાહમાં હોત.”
(૮૧) હવે (ફરિશ્તાઓએ) કહ્યું, “હે લૂત! અમે તમારા રબ તરફથી મોકલેલા છીએ, શક્ય નથી કે આ લોકો તમારા સુધી પહોંચી જાય, બસ તમે પોતાના ઘરવાળાઓને લઈને થોડી રાત પછી નીકળી જાઓ, તમારામાંથી કોઈ પાછુ ફરીને ન જુએ, સિવાય તમારી પત્નીના કે તેને પણ તે જ પહોંચવાનું છે જે બધાને પહોંચશે, બેશક તેમના વાયદાનો સમય સવારનો છે, શું સવાર બિલકુલ નજીક નથી ?
(૮૨) પછી જ્યારે અમારો હુકમ આવી પહોંચ્યો, તો અમે તે વસ્તીને ઉલટ-પુલટ કરી નાખી, ઉપરનો હિસ્સો નીચે કરી દીધો અને તેમના ઉપર કાંકરાના પથ્થરોનો વરસાદ નિરંતર વરસાવ્યો.
(૮૩) જે તમારા રબ તરફથી નિશાનીવાળા હતા અને તે જાલિમોથી જરા પણ દૂર ન હતા. (ع-૭)