(૫૦) અને રાજાએ કહ્યું કે તમે (યૂસુફને) મારા પાસે લાવો, જ્યારે રાજાનો દૂત તેમના (યુસુફ) પાસે પહોંચ્યો તો તેમણે કહ્યું કે તે સ્ત્રીઓની સાચી હકીકત શું છે જેમણે પોતાના હાથ કાપી નાખ્યા હતા,[1] તેમની ચાલબાજીઓને સારી રીતે જાણવાવાળો મારો રબ જ છે.
(૫૧) (રાજાએ) પૂછ્યુ, “હે સ્ત્રીઓ ! તે સમયની સાચી હકીકત શું છે જ્યારે તમે ચાલબાજી કરીને યૂસુફને તેના મનથી ભટકાવવા ચાહતી હતી ? તેમને સ્પષ્ટ જવાબ આપ્યો કે (અલ્લાહ જાણે છે) અમે યૂસુફમાં કોઈ બૂરાઈ નથી જોઈ, પછી તો અઝીઝની પત્ની પણ બોલી ઊઠી હવે તો સાચી વાત જાહેર થઈ ગઈ છે મેં જ તેને તેના મનથી બહેકાવવાની કોશિશ કરી હતી અને બેશક તે સાચાઓમાંથી છે.
(૫૨) આ એટલા માટે કે (અઝીઝને) જાણ થઈ જાય કે મેં તેના સાથે વિશ્વાસઘાત નથી કર્યો અને એ પણ કે અલ્લાહ ચાલબાજની ચાલોને સફળ થવા દેતો નથી.
(૫૩) અને હું મારા મનની પવિત્રતાનું વર્ણન નથી કરતો, બેશક મન તો બૂરાઈની જ પ્રેરણા આપે છે[1] પરંતુ એ કે મારો રબ જ પોતાની કૃપા કરે,[2] બેશક મારો રબ મોટો માફ કરનાર દયાળુ છે.
(૫૪) અને રાજાએ કહ્યું તેને મારા સામે લાવો કે હું તેને મારા પોતાના અંગત કામો માટે નિયુક્ત કરી લઉં, પછી જ્યારે તેનાથી વાતચીત કરવા લાગ્યો તો કહેવા લાગ્યો કે તમે અમારે ત્યાં આજથી સન્માનિત અને અમાનતદાર છો.
(૫૫) (યૂસુફે) કહ્યું કે, “તમે મને દેશના ખજાનાઓ ઉપર નિયુક્ત કરી દો,[1] હું રક્ષણ કરનાર જાણવાવાળો છું."
(૫૬) અને આ રીતે અમે યૂસુફને દેશની બાગડોર આપી દીધી કે તે જ્યાં ઈચ્છે રહે, અમે જેને ઈચ્છીએ તેને પોતાની કૃપા પહોંચાડી દઈએ છીએ અને અમે નેકી કરનારાઓના બદલાને બરબાદ નથી કરતા.
(૫૭) અને બેશક ઈમાનવાળાઓ અને પરહેઝગારોના માટે આખિરતનો બદલો ઘણો જ સારો છે.(ع-૭)