(૨૦) જેનો ઈરાદો આખિરતની ખેતીનો હોય, અમે તેના માટે તેની ખેતીમાં વધારો કરીશું,[1] અને જે દુનિયાની ખેતીની તમન્ના કરતો હોય અમે તેને તેમાથી જ થોડુંક આપી દઈશું.[2] આવા મનુષ્યનો આખિરતમાં કોઈ હિસ્સો નથી.[3]
(૨૧) શું આ લોકોએ (અલ્લાહના) એવા ભાગીદારો (નકકી કરી રાખ્યા) છે જેમણે એવા ધાર્મિક હુકમ નિર્ધારિત કરી દીધા છે, જે અલ્લાહના કહેલા નથી ? જો ફેંસલાના દિવસનો વાયદો ન હોત તો (હમણાં જ) તેમનામાં ફેંસલો કરી નાખવામાં આવતો, બેશક (તે) જાલિમો માટે જ પીડાકારી સજા છે.
(૨૨) તમે જોશો કે (આ) જાલિમો પોતાના કૃત્યોથી ડરી રહ્યા હશે, જે બેશક તેમના ઉપર ઘટિત થનાર છે, અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામ કર્યા તેઓ જન્નતના બાગોમાં હશે, તેઓ જેની ઈચ્છા કરશે પોતાના રબ પાસે હાજર જોશે, આ જ મોટી કૃપા છે.
(૨૩) આ જ તે વસ્તુ છે જેની ખુશખબર અલ્લાહ (તઆલા) પોતાના તે બંદાઓને આપી રહ્યો છે જેઓ ઈમાન લાવ્યા અને (સુન્નત અનુસાર) કર્મ કર્યા, તો કહી દો કે, “હું આના પર તમારાથી કોઈ બદલો નથી ચાહતો, પરંતુ રિશ્તેદારીની મોહબ્બત”, અને જે મનુષ્ય ભલાઈ કરે, અમે તેની ભલાઈને વધારી દઈશું, બેશક અલ્લાહ (તઆલા) મોટો માફ કરનાર અને મોટો કદરદાન છે.
(૨૪) શું આ લોકો કહે છે (કે પયગંબરે) અલ્લાહ પર જૂઠો આરોપ ઘડી લીધો છે ? જો અલ્લાહ (તઆલા) ચાહે તો તમારા દિલ પર મહોર લગાવી દે અને અલ્લાહ (તઆલા) પોતાની વાતોથી અસત્ય નાબૂદ કરે છે અને સત્યને બાકી રાખે છે તે દિલોની વાતોનો જાણનાર છે.
(૨૫) અને તે જ છે જે પોતાના બંદાઓની તૌબા કબૂલ કરે છે,[1] અને ગુનાહોને માફ કરે છે, અને તમે જે કંઈ કરી રહ્યા છો તે બધું જ જાણે છે.
(૨૬) અને ઈમાનવાળાઓ અને નેક લોકોને સાંભળે છે અને તેમને પોતાની કૃપાથી ખૂબ વધારે આપે છે, અને કાફિરો માટે સખત અઝાબ છે.
(૨૭) અને જો અલ્લાહ (તઆલા) પોતાના તમામ બંદાઓની રોજી વિશાળ કરી દે તો તેઓ ધરતી પર ફસાદ મચાવી[1] દેતા, પરંતુ તે અંદાજાથી જે કંઈ ચાહે છે ઉતારે છે, તે પોતાના બંદાઓથી સારી રીતે વાકેફ છે અને સારી રીતે જોનાર છે.
(૨૮) અને તે જ છે જે લોકોના નિરાશ થઈ ગયા પછી વરસાદ વરસાવે છે અને પોતાની કૃપાનો વિસ્તાર (વિશાળ) કરી દે છે તે જ છે સંરક્ષક અને મહાનતા અને પ્રશંસાના લાયક.
(૨૯) અને તેની નિશાનીઓમાંથી આકાશો અને ધરતીનું પેદા કરવું અને તેમાં સજીવોને ફેલાવવું છે, તે આના પર પણ શક્તિમાન છે કે જયારે ચાહે ત્યારે તેમને ભેગા કરી દે.[1] (ع-૩)