Surah Al-Fath
સૂરહ અલ-ફત્હ
આયત : ૨૯ | રૂકૂઅ : ૪
સૂરહ અલ-ફત્હ (૪૮)
વિજય
સૂરહ અલ-ફત્હ મદીનામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ઓગણત્રીસ (૨૯) આયતો અને ચાર (૪) રૂકૂઅ છે.
6 હિજરીમાં રસૂલુલ્લાહ (ﷺ) અને લગભગ એક હજાર ચારસો સહાબા ઉમરાના માટે મક્કા ગયા, પરંતુ મક્કા નજીક હુદૈબિયાના સ્થળ પર કાફિરોએ આપને રોકી દીધા અને ઉમરા કરવા ન દીધા. આપે હજરત ઉસ્માન (રઝિયલ્લાહુ અનહુ) ને પોતાના પ્રતિનિધિ બનાવી મક્કા મોકલ્યા જેથી તે કુરેશના સરદારો સાથે વાતચીત કરી તેમને મુસલમાનોને ઉમરા કરવાની પરવાનગી આપવા પર તૈયાર કરે, પરંતુ હજરત ઉસ્માન (રઝિયલ્લાહુ અનહુ) ના મક્કા ગયા પછી તેમની શહાદતની અફવા ફેલાઈ ગઈ, જેના પર આપ (ﷺ) એ સહાબાઓને હજરત ઉસ્માન (રઝિયલ્લાહુ અનહુ) નો બદલો લેવા માટે બૈઅત (પ્રતિજ્ઞા) લેવડાવી જેને “બૈઅતે રિજવાન” કહે છે. હુદૈબિયાથી મદીના તરફ પાછા ફરતા માર્ગમાં આ સૂરહ ઉતરી, જેમાં સુલેહને સ્પષ્ટ વિજય કહેવામાં આવી, કેમકે આ સુલેહ મક્કાના વિજયનો આધાર સાબિત થઈ, અને આના બે વર્ષ પછી મુસલમાનોએ મક્કામાં વિજેતા સ્વરૂપે પ્રવેશ કર્યો, આ કારણથી કેટલાક સહાબા કહેતા કે તમે મક્કાના વિજયને વિજય માનો છો અમે હુદૈબિયાના સમજોતાને વિજય માનીએ છીએ, અને નબી (ﷺ) એ આ સૂરહ વિશે ફરમાવ્યું કે આજ રાતે મારા પર તે સૂરહ ઉતરી છે જે મને દુનિયા અને તેની દરેક વસ્તુથી વધારે પ્રિય છે. (સહીહ બુખારી, કિતાબુલ મગાજી)