અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) સોગંદ છે કતારબદ્ધ (લાઈનબંધ ઊભા) રહેનારાઓ (ફરિશ્તાઓ)ના.
(૨) પછી પૂરી રીતે ધાક-ધમકી આપવાવાળાઓના.
(૩) પછી અલ્લાહને યાદ કરનારાઓના.
(૪) બેશક તમારા બધાનો મા'બૂદ ફકત એક જ છે.
(૫) આકાશો અને ધરતી અને તેના વચ્ચેની તમામ વસ્તુઓ અને બધી પૂર્વી દિશાઓનો રબ તે જ છે.
(૬) અમે દુનિયાના (નજીકના) આકાશને તારાઓ વડે સુશોભિત કરીને શણગાર્યું છે.
(૭) અને અમે જ તેની સુરક્ષા કરીએ છીએ તે દરેક સરકશ (વિદ્રોહી) શેતાનથી.[1]
(૮) ઉચ્ચ દુનિયાના ફરિશ્તાઓ (ની વાતો)ને સાંભળવા માટે તેઓ કાન પણ લગાવી શકતા નથી, બલ્કે દરેક બાજુએથી તેઓને મારવામાં આવે છે.
(૯) હાંકી કાઢવા માટે અને તેમના માટે કાયમી સજા છે.
(૧૦) આમ છતાં જો એકાદ વાત ઉચકીને લઈ ભાગે તો (તરત જ) તેના પાછળ ભડકતો અંગારો લાગી જાય છે.
(૧૧) આ કાફિરોને પૂછો કે એમનું પેદા કરવું વધારે કઠીન છે કે જેમને અમે પેદા કર્યું છે તે? અમે તો મનુષ્યને ચીકણી માટીમાંથી પેદા કર્યો છે.
(૧૨) બલ્કે તમે આશ્ચર્ય કરી રહ્યા છો અને આ લોકો મજાક ઉડાવી રહ્યા છે.
(૧૩) અને જ્યારે આમને નસીહત કરવામાં આવે છે તો આ લોકો નથી સમજતા.
(૧૪) અને જયારે કોઈ નિશાની જુએ છે તો મજાક ઉડાવે છે.
(૧૫) અને કહે છે કે, “આ તો સ્પષ્ટ જાદૂ જ છે.”
(૧૬) શું જ્યારે અમે મરી જઈશું અને માટી તથા હાડકાં થઈ જઈશું પછી શું (ખરેખર) અમને જીવતા કરવામાં આવશે ?
(૧૭) અથવા અમારાથી પહેલાના અમારા બાપ-દાદાઓને પણ ?
(૧૮) (તમે) જવાબ આપો કે, “હાં, અને તમે અપમાનિત પણ થશો.”
(૧૯) તે તો ફક્ત એક જોરદાર ઝટકો હશે કે અચાનક આ લોકો જોવા લાગશે.
(૨૦) અને કહેશે કે, “હાય અમારૂ દુર્ભાગ્ય! આ તો બદલાનો દિવસ છે.”
(૨૧) આ તે જ ફેંસલાનો દિવસ છે જેને તમે ખોટો ઠેરવતા રહ્યા.[1] (ع-૧)