(૧૧) અને મનુષ્ય બૂરાઈની દુઆ કરવા લાગે છે, બિલકુલ પોતાની ભલાઈની દુઆની જેમ, મનુષ્ય ઘણો જ ઉતાવળો છે.[1]
(૧૨) અને અમે રાત અને દિવસને (અમારી કુદરતની) નિશાની બનાવી છે, રાતની નિશાનીને અમે પ્રકાશહીન કરી દીધી અને દિવસની નિશાનીને પ્રકાશિત બનાવી દીધી છે, જેથી તમે પોતાના રબની કૃપાની શોધ કરી શકો અને એટલા માટે પણ કે વર્ષોની ગણતરી અને હિસાબને જાણી શકો, અને દરેક વસ્તુનું અમે વિગતવાર વર્ણન કરી દીધું છે.
(૧૩) અને અમે દરેક મનુષ્યની બૂરાઈ અને ભલાઈને તેના ગળામાં નાખી દીધી અને કયામતના દિવસે અમે તેની કર્મપોથી (આમાલનામું)ને કાઢીશું, જેને તે પોતાના ઉપર ઉઘાડેલા પુસ્તકની જેમ જોઈ લેશે.
(૧૪) લો, જાતે જ પોતાની કર્મપોથી વાંચી લો, આજે તો તું પોતે જ પોતાનો હિસાબ કરવા માટે પૂરતો છે.
(૧૫) જે હિદાયત પ્રાપ્ત કરે છે તે પોતે પોતાના ભલા માટે હિદાયત પ્રાપ્ત કરે છે અને જે ગુમરાહ થઈ જાય તેનો બોજ તેના ઉપર છે, કોઈ બોજ ઉપાડનાર બીજા કોઈનો બોજ નહિ ઉપાડે, અને અમારો નિયમ જ નથી કે રસૂલ મોકલતા પહેલા જ અઝાબ મોકલીએ.[1]
(૧૬) અને જ્યારે અમે કોઈ વસ્તીને નાશ કરવાનો ઈરાદો કરી લઈએ છીએ તો ત્યાંના ખુશહાલ લોકોને હુકમ આપીએ છીએ અને તે લોકો તે વસ્તીમાં સ્પષ્ટ રીતે નાફરમાની કરવા લાગે છે તો તેમના ઉપર અઝાબનો ફેંસલો લાગુ થઈ જાય છે અને પછી અમે તેને ઉલટ- પુલટ કરી દઈએ છીએ.
(૧૭) અને અમે નૂહ પછી પણ ઘણી ઉમ્મતો બરબાદ કરી અને તમારો રબ પોતાના બંદાઓના ગુનાહોથી સંપૂર્ણ રીતે માહિતગાર છે અને બધું જોઈ રહ્યો છે.
(૧૮) જેની તમન્ના ફક્ત આ જલદી પ્રાપ્ત થવાવાળી દુનિયાની જ હોય તેને અમે અહીં જ જેટલું જેના માટે ઈચ્છીએ છીએ જલદીથી આપી દઈએ છીએ, છેવટે અમે તેના માટે જહન્નમ નક્કી કરી દઈએ છીએ જેમાં તે ખરાબ સ્થિતિમાં ધિક્કારેલો દાખલ થશે.[1]
(૧૯) અને જેની તમન્ના આખિરતની હોય અને જેવી કોશિશ હોવી જોઈએ તેવી કોશિશ કરતો પણ હોય અને તે ઈમાનવાળો પણ હોય, પછી તો આ જ લોકો છે જેમની કોશિશોનું અલ્લાહને ત્યાં પૂરું સન્માન કરવામાં આવશે.
(૨૦) દરેકને અમે આપીએ છીએ, આમને પણ અને તેમને પણ, તમારા રબના ઉપકારોમાંથી, અને તમારા રબનો ઉપકાર રોકાયેલો નથી.
(૨૧) જોઈ લો, તેમનામાં એક ને બીજા પર કેવી રીતે શ્રેષ્ઠતા આપી રાખી છે અને આખિરત તો દરજ્જાની રીતે ઘણી બહેતર છે અને શ્રેષ્ઠતાની રીતે પણ ઘણી બહેતર છે.[1]
(૨૨) અલ્લાહના સાથે કોઈ બીજાને મા'બૂદ ન બનાવ, નહિં તો તું અપમાનિત અને નિઃસહાય થઈને બેસી રહીશ.(ع-૨)