(૬૧) ઘણો બરકતવાળો છે તે જેણે આકાશમાં બુરજ બનાવ્યા અને તેમાં સૂર્ય બનાવ્યો અને પ્રકાશિત ચંદ્ર પણ.
(૬૨) અને તેણે રાત્રિ અને દિવસને એકબીજાના પાછળ આવવા-જવાવાળા બનાવ્યા, તે મનુષ્યની નસીહત માટે જે નસીહત પ્રાપ્ત કરવા અથવા શુક્રગુજાર (કૃતજ્ઞ) બનવાનો ઈરાદો રાખતો હોય.
(૬૩) અને રહમાન (દયાળુ) ના સાચા બંદાઓ તે છે જેઓ ધરતી પર નમ્રતાપૂર્વક ચાલે છે અને જ્યારે અજ્ઞાની લોકો તેમના સાથે વાત કરવા લાગે છે તો તેઓ કહી દે છે કે તમને સલામ.[1]
(૬૪) અને જેઓ પોતાના રબ આગળ સિજદો કરે છે અને ઊભા રહીને (કયામમાં) રાત્રિઓ પસાર કરે છે.
(૬૫) અને જેઓ દુઆઓ કરે છે કે, “હે અમારા રબ! અમારાથી જહન્નમનો અઝાબ દૂર જ રાખ. કેમકે તેનો અઝાબ ચોંટીને રહેવાનો છે.[1]
(૬૬) તે તો ઘણું જ ખરાબ ઠેકાણું અને બૂરી જગ્યા છે.
(૬૭) અને જેઓ ખર્ચ કરતી વખતે પણ ન તો અપવ્યય (ફિઝુલ ખર્ચ) કરે છે, ન કંજૂસી, બલ્કે આ બંને વચ્ચેનો મધ્યમ માર્ગ હોય છે.
(૬૮) અને જેઓ અલ્લાહ સાથે કોઈ બીજા મા'બૂદને નથી પોકારતા અને કોઈ એવા મનુષ્યને જેનું કતલ કરવું અલ્લાહ (તઆલા) એ હરામ કર્યુ હોય, સિવાય સત્યના તેઓ કતલ નથી કરતા, ન તેઓ વ્યાભિચારી હોય છે.[1] અને જે કોઈ આ કાર્ય કરે તે પોતાના ઉપર સખત અઝાબ લેશે.
(૬૯) તેને કયામતના દિવસે બમણો અઝાબ આપવામાં આવશે અને તે અપમાન અને તિરસ્કાર સાથે હંમેશા તેમાં જ પડ્યો રહેશે.
(૭૦) તે લોકોના સિવાય જેઓ માફી માંગી લે અને ઈમાન લાવે અને નેક કામ કરે,[1] આવા લોકોના ગુનાહોને અલ્લાહ (તઆલા) નેકી (પુણ્ય)માં બદલી નાખશે, અલ્લાહ (તઆલા) ઘણો માફ કરનાર અને દયાળુ છે.
(૭૧) અને જે વ્યક્તિ માફી માંગી લે અને ભલાઈના કામ કરે તો તે હકીકતમાં અલ્લાહ (તઆલા) તરફ સાચો ઝુકાવ રાખે છે.
(૭૨) અને જેઓ જૂઠી ગવાહી નથી આપતા, અને જયારે તેઓ કોઈ વ્યર્થ વસ્તુ પાસેથી પસાર થાય છે તો સજ્જનોની જેમ પસાર થઈ જાય છે.
(૭૩) અને જ્યારે તેમને તેમના રબની આયતો સંભળાવવામાં આવે છે ત્યારે તેઓ આંધળા-બહેરા બની તેના ઉપર પડતા નથી.”
(૭૪) અને જેઓ આ દુઆ કરે છે કે, “હે અમારા રબ! તું અમને અમારી પત્નીઓ અને સંતાનોથી આંખોની ઠંડક પ્રદાન કર અને અમને પરહેઝગારો (સંયમીઓ)ના આગેવાન બનાવી દે.”
(૭૫) આ તે લોકો છે જેઓને પોતાના સબ્રના બદલામાં (જન્નતની ઊંચી) અગાસીઓ પ્રદાન કરવામાં આવશે, જ્યાં તેમને આશીર્વાદ અને અભિવાદન (સલામ) પહોંચાડવામાં આવશે.
(૭૬) તેમાં તેઓ હંમેશા રહેશે, તે ઘણી ઉત્તમ જગ્યા અને ઘણી આરામની જગ્યા છે.
(૭૭) કહી દો, “જો તમારી દુઆ ન હોત તો મારો રબ તમારી કદી ફિકર ન કરતો, તમે તો ઈન્કાર કરી ચૂક્યા, હવે જલ્દી તેની સજા તમને વળગી જવાવાળી હશે.?” (ع-૬)