(૭૨) અને બેશક તમારામાં કેટલાક એવા પણ છે જે સંકોચ કરે છે, પછી જો તમને કોઈ નુકસાન થાય છે તો કહે છે કે અલ્લાહ (તઆલા)એ મારા પર મોટી કૃપા કરી કે હું તેમના સાથે હાજર ન હતો.
(૭૩) અને જો તમને અલ્લાહ (તઆલા)નો કોઈ ફઝલ પ્રાપ્ત થઈ જાય તો જેવા કે તમારામાં અને તેમનામાં કોઈ સંબંધ હતો જ નહિં, કહે છે કે કાશ! હું પણ તેમની સાથે હોત તો મોટી સફળતાને પહોંચી જતો.
(૭૪) પરંતુ જે લોકો દુનિયાની જિંદગી આખિરતના બદલામાં વેચી ચૂક્યા છે, તેમને અલ્લાહ (તઆલા)ના માર્ગમાં જિહાદ કરવો જોઈએ અને જે અલ્લાહ (તઆલા)ના માર્ગમાં જિહાદ કરતા શહીદ થઈ જાય અથવા વિજયી થઈ જાય તો બેશક અમે તેને ઘણો સારો બદલો આપીશું.
(૭૫) ભલા શું કારણ છે કે તમે અલ્લાહના માર્ગમાં અને તે કમજોર પુરૂષો, સ્ત્રીઓ અને નાના-નાના બાળકોના છૂટકારા માટે જિહાદ ન કરો? જેઓ આ રીતે દુઆ કરી રહ્યા છે કે, “અય અમારા રબ! આ જાલિમોની વસ્તીમાંથી અમને બહાર કાઢ અને અમારા માટે પોતાની પાસેથી સમર્થક નક્કી કર અને અમારા માટે ખાસ રીતે પોતાના તરફથી સહાયક બનાવ.
(૭૬) જે લોકો ઈમાન લાવ્યા છે, તેઓ તો અલ્લાહ (તઆલા)ના માર્ગમાં જિહાદ કરે છે અને જે લોકોએ ફુફ્ર કર્યું છે તેઓ તો તાગૂતના માર્ગમાં લડે છે બસ, તમે શયતાનના દોસ્તોથી યુદ્ધ કરો, યકીન કરો કે શયતાનની ચાલબાજીઓ (બિલકુલ કમજોર અને) ઘણી કમજોર છે. (ع-૧૦)