અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) હા. મીમ.!
(૨) એન. સીન. કાફ.!
(૩) અલ્લાહ (તઆલા) જે પ્રભુત્વશાળી અને હિકમતવાળો છે, આવી રીતે તમારી તરફ અને તમારા પહેલા થઈ ગયેલાઓની તરફ વહી મોકલતો રહ્યો છે.[1]
(૪) જે કંઈ આકાશોમાં અને ધરતીમાં છે તે બધું જ તેનું છે, અને તે સર્વોચ્ચ અને મહાન છે.
(૫) નજીક છે કે આકાશ પોતાના ઉપર તૂટી પડે અને તમામ ફરિશ્તાઓ પોતાના રબની પવિત્રતાનું વર્ણન કરી રહ્યા છે અને ધરતીવાળાઓ માટે ક્ષમા-યાચના (ઈસ્તિગફાર) કરી રહ્યા છે. સારી રીતે સમજી લો કે અલ્લાહ (તઆલા) જ માફ કરનાર દયાળુ છે.
(૬) અને જે લોકોએ તેના સિવાય બીજાઓને સંરક્ષક બનાવી રાખ્યા છે, અલ્લાહ (તઆલા) તેમને સારી રીતે જોઈ રહ્યો છે, અને તમે તેમના જવાબદાર નથી.[1]
(૭) અને આ રીતે અમે તમારા તરફ અરબી કુરઆનની વહી કરી છે જેથી તમે મક્કાવાસીઓને અને તેના આસપાસના વિસ્તારના લોકોને સાવધાન કરી દો,[1] અને એકઠા થવાના દિવસથી[2] ડરાવી દો, જેના આવવામાં કોઈ શંકા નથી, એક જૂથ જન્નતમાં હશે અને બીજુ જૂથ જહન્નમમાં હશે.
(૮) જો અલ્લાહ (તઆલા) ચાહતો તો આ બધાને એક જ ઉમ્મત બનાવી દેતો, પરંતુ તે જેને ચાહે છે પોતાની કૃપામાં સામેલ કરી લે છે, અને જાલિમોનો સંરક્ષક અને મદદગાર કોઈ નથી.
(૯) શું આ લોકોએ અલ્લાહના સિવાય બીજાઓને સંરક્ષક બનાવી લીધા છે ? (હકીકતમાં તો) અલ્લાહ (તઆલા) જ સંરક્ષક છે. તે જ મડદાઓને જીવતા કરશે અને તે જ દરેક વસ્તુ પર શક્તિશાળી છે. (ع-૧)