અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) હે ઈમાનવાળાઓ! અલ્લાહ અને તેના રસૂલથી આગળ ન વધો,[1] અને અલ્લાહથી ડરતા રહો, બેશક અલ્લાહ (તઆલા) બધું જ સાંભળનાર અને જાણનાર છે.
(૨) હે ઈમાનવાળાઓ! પોતાનો અવાજ નબીના અવાજથી ઊંચો ન કરો અને ન તેમના સાથે ઊંચા અવાજમાં વાત કરો જેવી રીતે પરસ્પર એકબીજા સાથે કરો છો. (ક્યાંક એવું ન બને) કે તમારા કર્મો બેકાર થઈ જાય અને તમને ખબર પણ ન પડે.[1]
(૩) હકીક્તમાં જે લોકો રસૂલુલ્લાહ (ﷺ) ના સામે પોતાનો અવાજ ધીમો રાખે છે, આ તે જ લોકો છે જેમના દિલોને અલ્લાહે પરહેઝગારી (તકવા) માટે પારખી લીધા છે, તેમના માટે માફી અને મહાન બદલો છે.[1]
(૪) બેશક જે લોકો તમને ઓરડાના બહારથી બોલાવે છે તેમનામાંથી મોટા ભાગના (પૂરી રીતે) બુદ્ધિહિન છે.[1]
(૫) અને જો આ લોકો ત્યાં સુધી સબ્ર કરતા કે તમે (પોતે) તેમના પાસે આવી જતા તો આ તેમના માટે બહેતર હતું, અને અલ્લાહ (તઆલા) દરગુજર કરનાર દયાળુ છે.
(૬) હે ઈમાનવાળાઓ! જો તમને કોઈ દુરાચારી (ફાસિક) ખબર આપે તો તમે તેની સારી રીતે તપાસ કરી લો,[1] (એવું ન બને) કે જાણકારી ન હોવાના કારણે કોઈ સમુદાયને નુકસાન પહોંચાડી દો, પછી પોતાના કૃત્ય ૫ર પસ્તાવા લાગો.
(૭) અને જાણી લો કે તમારામાં અલ્લાહના રસુલ મોજૂદ છે, જો તે ઘણીખરી વાતોમાં તમારું કહેવું માનતા રહે તો તમે પોતે મુશ્કેલીમાં મૂકાઈ જાઓ, પરંતુ અલ્લાહે તમારા માટે ઈમાનને પ્રિય બનાવી દીધુ છે અને તેને તમારા દિલોમાં સુશોભિત કરી દીધુ છે અને કુફ્ર અને બૂરાઈ અને નાફરમાનીને તમારી નજરમાં અપ્રિય બનાવી દીધા છે આ જ લોકો માર્ગ પામેલા છે.
(૮) અલ્લાહના ઉપકાર અને ને'મતથી,[1] અને અલ્લાહ જાણવાવાળો અને હિકમતવાળો છે.
(૯) અને જો ઈમાનવાળાઓમાંથી બે જૂથો પરસ્પર લડી પડે તો તેમના વચ્ચે સુલેહ કરાવી દો,[1] પછી જો તેમાંથી એકબીજા પર જુલમ કરે તો તમે (બધા) જે જુલમ કરે છે તે જૂથની સાથે લડો, ત્યાં સુધી કે તેઓ અલ્લાહના હુકમ તરફ પાછા વળે,[2] જો તેઓ પાછા વળે તો ન્યાયપૂર્વક તેમના વચ્ચે સુલેહ કરાવી દો અને ન્યાય કરો, બેશક અલ્લાહ (તઆલા) ન્યાય કરનારાઓને પસંદ કરે છે.
(૧૦) (યાદ રાખો) તમામ ઈમાનવાળા ભાઈ-ભાઈ છે તેથી પોતાના બે ભાઈઓમાં મેળાપ કરાવી દો, અને અલ્લાહથી ડરતાં રહો, જેથી તમારા પર કૃપા કરવામાં આવે. (ع-૧)