અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) અલ્લાહ(તઆલા)નો હુકમ આવી પહોંચ્યો, હવે તેની જલ્દી ન મચાવો, તમામ પવિત્રતા તેના માટે છે તે સૌથી ઉચ્ચતર છે તે બધાથી જેને આ લોકો અલ્લાહની નજદીક ભાગીદાર બનાવે છે.
(૨) તે જ ફરિશ્તાઓને પોતાની વહી આપી પોતાના હુકમ વડે પોતાના બંદાઓમાંથી જેના પર ચાહે ઉતારે છે કે તમે લોકોને બાખબર કરી દો કે મારા સિવાય બીજો કોઈ બંદગીના લાયક નથી, એટલા માટે તમે મારાથી જ ડરો.
(૩) તેણે જ આકાશો અને ધરતીને સચ્ચાઈ સાથે પેદા કર્યા, તે તેનાથી ઉચ્ચતર છે જે મુશરિકો કરે છે.
(૪) તેણે મનુષ્યને વીર્યમાંથી પેદા કર્યો પછી તે સ્પષ્ટપણે ઝઘડાખોર બની બેઠો.
(૫) તેણે જાનવર પેદા કર્યા, જેમાં તમારા માટે ગરમીના કપડા છે, અને બીજા પણ ઘણા બધા ફાયદાઓ છે, અને કેટલાક તમારા ખાવા માટે કામ આવે છે.
(૬) અને તેમાં તમારી શોભા પણ છે જયારે ચરાવીને લાવો ત્યારે પણ અને જયારે ચરાવવા માટે લઈ જાઓ ત્યારે પણ.
(૭) અને તે તમારા ભાર તે શહેરો સુધી ઉઠાવીને લઈ જાય છે જ્યાં તમે અધમૂઆ થયા વગર પહોંચી શકતા નથી, બેશક તમારો રબ ખૂબ દયાળુ અને મહેરબાન છે.
(૮) અને ઘોડાઓ, ખચ્ચરો અને ગધેડાઓને (તેણે પેદા કર્યા ) જેથી તમે તેમને સવારીના સાધન તરીકે ઉપયોગમાં લાવો અને તે શણગારનું માધ્યમ પણ છે, બીજી પણ એવી વસ્તુઓ પેદા કરી છે જેનું તમને ઈલ્મ નથી.[1]
(૯) અને અલ્લાહ પર સીધો માર્ગ બતાવી દેવાનું છે અને કેટલાક વાંકા રસ્તાઓ છે, અને જો તે ચાહતો તો તમને બધાને સીધા માર્ગ પર લગાવી દેતો. (ع-૧)