(૭૬) અને નૂહના તે સમયને (યાદ કરો) જ્યારે તેણે આના પહેલા દુઆ કરી અમે તેની દુઆ કબૂલ કરી, અને અમે તેને અને તેના પરિવારને મોટા દુઃખોથી મુક્ત કરી દીધા.
(૭૭) અને તે કોમના મુકાબલામાં તેની મદદ કરી જેણે અમારી આયતોને ખોટી ઠેરવી હતી, હકીકતમાં તેઓ બૂરા લોકો હતા, તો અમે તે બધાને ડૂબાડી દીધા.
(૭૮) અને દાઉદ અને સુલેમાનને (યાદ કરો) જયારે કે તેઓ એક ખેતરના બારામાં ફેંસલો કરી રહ્યા હતા કે કેટલાક લોકોની બકરીઓ રાતે તેમાં ચરી ગઈ હતી અને તેમના ફેંસલામાં અમે હાજર હતા.
(૭૯) તો અમે તેનો સાચો ફેંસલો સુલેમાનને સમજાવી દીધો.[1] બેશક અમે દરેકને હિકમત અને ઈલ્મ આપી રાખ્યુ હતુ, અને દાઉદના તાબે અમે પર્વત કરી દીધા હતા જે તસ્બીહ (મહિમાગાન) કરતા હતા,[2] અને પક્ષીઓને પણ,[3] આવું કરવાવાળા અમે જ હતા.
(૮૦) અને અમે તેને તમારા માટે કપડું (કવચ) બનાવતા શીખવ્યુ, જેથી લડાઈ (ના નુક્સાન)થી તમારો બચાવ કરી શકો,[1] પછી શું તમે હવે શુક્રગુજાર છો?
(૮૧) અને અમે સુલેમાનના તાબે તેજ હવાઓ કરી દીધી જે તેના હુકમ પર તે ધરતી તરફ ચાલતી હતી, જેમાં અમે બરકતો રાખી હતી, અને અમે દરેક વસ્તુને જાણીએ છીએ.
(૮૨) અને (આ રીતે) ઘણા બધા શેતાનોને પણ જે તેના હુકમ પર ડૂબકી મારતા હતા અને આના સિવાય બીજા ઘણા કામ કરતા હતા, અને તેમની રક્ષા કરવાવાળા અમે જ હતા.
(૮૩) અને ઐયુબ (ની તે હાલતને પણ યાદ કરો) જ્યારે કે તેણે પોતાના રબને પોકાર્યા કે, “મને આ બીમારી લાગી ગઈ છે, અને તું બધા દયાળુઓમાં સૌથી વધારે દયાળુ છે.”
(૮૪) તો અમે તેની (દુઆ) સાંભળી લીધી અને જે દુઃખ તેને હતું તે અમે દૂર કરી દીધું અને તેને તેનો પરિવાર આપ્યો, બલ્કે તેને અમારી ખાસ કૃપા[1] થી તેના સાથે એવા જ બીજા પણ આપ્યા, જેથી બંદગી કરનારાઓ માટે બોધપાઠ બને.
(૮૫) અને ઈસ્માઈલ અને ઈદ્રીસ અને ઝુલકિફ્લ,[1] આ બધા સબ્ર કરવાવાળા હતા.
(૮૬) અમે તેમને અમારી રહમત (દયા) માં દાખલ કરી દીધા, આ બધા નેક લોકો હતા.
(૮૭) અને માછલીવાળા[1] (યુનુસ અ.સ.) ને (યાદ કરો) ! જ્યારે કે તે નારાજ થઈ ચાલી નીકળ્યો અને સમજતો હતો કે અમે તેને નહિ પકડીએ. અંતે તેણે અંધારાઓમાંથી[2] પોકાર કર્યો કે, “તારા સિવાય કોઈ મા'બૂદ નથી, તું પવિત્ર છે, બેશક હું જ જાલિમોમાંથી છું.”
(૮૮) તો અમે તેની પોકાર સાંભળી લીધી અને તેને દુ:ખમાંથી આઝાદ કર્યો, અને અમે આવી જ રીતે ઈમાનવાળાઓને બચાવી લઈએ છીએ.
(૮૯) અને ઝકરિય્યાને (યાદ કરો) જ્યારે તેણે પોતાના રબથી દુઆ કરી કે, “હે મારા રબ! મને એકલો ન છોડ, તું સૌથી સારો વારસદાર છે.”
(૯૦) તો અમે તેની દુઆ કબૂલ કરી લીધી અને તેને યાહ્યા પ્રદાન કર્યો, અને તેની પત્નીને તેના માટે સુધારી દીધી,[1] આ સદાચારીઓ ભલાઈના કામો તરફ જલ્દી દોડતા હતા, અને અમને ઉમ્મીદ અને ડર સાથે પોકારતા હતા અને અમારા સામે વિનમ્રતાથી રહેતા હતા.
(૯૧) અને તે (પવિત્ર સ્ત્રી) જેણે પોતાના સતીત્વની રક્ષા કરી, અમે તેની અંદર પોતાની રૂહ (આત્મા) ફૂંકી અને તેને તથા તેના પુત્રને સમગ્ર દુનિયાના માટે નિશાની બનાવી દીધા.
(૯૨) આ તમારો સમુદાય છે જે હકીકતમાં એક જ સમુદાય છે અને હું તમારા બધાનો રબ છું એટલા માટે તમે મારી જ બંદગી કરો.[1]
(૯૩) પરંતુ લોકોએ પરસ્પર પોતાના ધર્મમાં જૂથો બનાવી લીધા, બધાએ અમારા તરફ પાછા ફરવાનું છે.[1] (ع-૬)