અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) હા-મીમ !
(૨) આ કિતાબનું ઉતારવું તે અલ્લાહના તરફથી છે જે પ્રભુત્વશાળી અને બધું જ જાણવાવાળો છે.
(૩) ગુનાહોને માફ કરવાવાળો અને તૌબા કબૂલ કરવાવાળો, કઠોર સજા આપવાવાળો અને ઉપકાર કરવાવાળો છે, તેના સિવાય કોઈ મા'બૂદ નથી, તેના તરફ જ બધાએ પાછા ફરવાનું છે.
(૪) અલ્લાહ (તઆલા)ની આયતોમાં તે જ લોકો ઝઘડે છે જેઓ કાફિર છે, તો તે લોકોનું નગરોમાં હરવું-ફરવું તમને ધોખામાં ન નાખી દે.[1]
(૫) આમના પહેલા નૂહની કોમે અને તેના પછી બીજી કોમોએ પણ જૂઠાડ્યા હતા અને દરેક કોમે પોતાના રસૂલને કેદી બનાવવાનો ઈરાદો કર્યો, અને જૂઠ વડે હઠધર્મી કરી જેથી તેના વડે સત્યનો નાશ કરી દે, છેવટે મેં તેમને પકડી લીધા, તો મારા તરફથી કેવી કઠોર સજા થઈ.
(૬) અને આવી જ રીતે તમારા રબનો હુકમ કાફિરો પર લાગુ થઈ ગયો કે તેઓ જહન્નમવાસી છે.[1]
(૭) અર્શને ઉઠાવનારા અને તેના આસપાસના ફરિશ્તાઓ પોતાના રબની પ્રશંસાની સાથે તેની તસ્બીહ કરી રહ્યા છે અને તેના ઉપર ઈમાન ધરાવે છે અને ઈમાનવાળાઓ માટે માફીની દુઆ કરે છે (કહે છે)કે, “હે અમારા રબ! તેં દરેક વસ્તુને પોતાની દયા અને જ્ઞાન સાથે ઘેરી રાખી છે તો તું તે લોકોને માફ કરી દે જેઓ માફી માંગે અને તારા માર્ગનું અનુસરણ કરે અને તું તેમને જહન્નમના અઝાબથી પણ બચાવી લેજે.[1]
(૮) હે અમારા રબ! તું તેમને હંમેશા રહેનારી જન્નતમાં લઈ જા, જેનો તેં તેમના સાથે વાયદો કર્યો છે અને તેમના બાપ-દાદાઓ અને પત્નીઓ અને સંતાનોમાંથી (પણ) તે બધાને જેઓ નેક છે, બેશક તું સર્વશક્તિમાન અને હિકમતવાળો છે.
(૯) અને તેમને બૂરા કામોથી પણ બચાવ, (સાચુ તો એ છે કે) કયામતના દિવસે તેં જેને બૂરાઈથી બચાવી લીધો તેના ઉપર તેં કૃપા કરી દીધી, અને આ જ મહાન સફળતા છે.[1] (ع-૧)