(૩૧) અને જ્યારે અમારા મોક્લેલા ફરિશ્તા (હજરત) ઈબ્રાહીમ (અ.સ.) પાસે ખુશખબર લઈ પહોંચ્યા તો કહેવા લાગ્યા કે, “અમે આ વસ્તીવાળાઓનો નાશ કરવાના છીએ,[1] બેશક અહિંના રહેવાસીઓ જાલીમ છે.”
(૩૨) (હજરત ઈબ્રાહીમે) કહ્યું કે, “ત્યાં તો લૂત (અ.સ.) છે,” ફરિશ્તાઓ એ કહ્યું કે, “ત્યાં જે છે અમે તેને સારી રીતે જાણીએ છીએ, લૂત અને તેના પરિવારને સિવાય તેની પત્નીના અમે બચાવી લઈશું, બેશક તે સ્ત્રી પાછળ રહી જનારાઓમાંથી છે.”
(૩૩) અને પછી જયારે અમારા મોકલેલા લૂત (અ.સ.) પાસે પહોંચ્યા તો તેમના કારણે દુઃખી થયા અને દિલમાં ગમ કરવા લાગ્યા, સંદેશાવાહકોએ કહ્યું કે, “તમે ડરો નહિ અને ન દુઃખી થાઓ, અમે તમને તમારા પરિવાર સહિત બચાવી લઈશું સિવાય તમારી પત્નીના કે તે સજા માટે પાછળ રહી જનારાઓમાંથી હશે.
(૩૪) અમે આ વસ્તીવાળાઓ પર આકાશમાંથી અઝાબ ઉતારવાના છીએ.[1] એ કારણથી કે આ લોકો ફાસિક થઈ રહ્યા છે.
(૩૫) અને અમે આ વસ્તીને સ્પષ્ટ બોધપાઠ પ્રાપ્ત કરવા માટે નિશાની બનાવી દીધી, તે લોકોના માટે જેઓ બુદ્ધિથી કામ લે છે.
(૩૬) અને મદયન[1] તરફ (અમે) તેમના ભાઈ શુઐબ (અ.સ.) ને (મોકલ્યા) તેમણે કહ્યું કે, “હે મારી કોમના લોકો! અલ્લાહની બંદગી કરો, કયામતના દિવસની ઉમ્મીદ રાખો અને ધરતીમાં ફસાદ ફેલાવતા ન ફરો.”
(૩૭) પછી પણ તેઓએ તેમને ખોટા ઠેરવી દીધા, છેવટે તેમને ધરતીકંપે પકડી લીધા અને તેઓ પોતાના ઘરોમાં મડદાં બની પડેલા ને પડેલા જ રહી ગયાં.
(૩૮) અને અમે આદવાળાઓ અને સમૂદવાળાઓને પણ (હલાક કર્યા) જેમના કેટલાક ખંડેરો તમારા સામે મોજુદ છે,[1] અને શેતાને તેમના બૂરા કામોને સુંદર બનાવીને દેખાડ્યા હતા અને તેમને માર્ગથી રોકી દીધા હતા, જો કે તેઓ આંખોવાળા અને ચાલાક હતા.
(૩૯) અને કારૂન, ફિરઔન અને હામાનને પણ, તેમના પાસે (હજરત) મૂસા સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા હતા, પછી પણ તેમણે ધરતી પર ઘમંડ કર્યો, જો કે અમારાથી આગળ વધવાવાળા ન થઈ શક્યા.
(૪૦) પછી તો અમે દરેકને તેના ગુનાહની સજામાં ઘેરી લીધા, તેમનામાંથી કેટલાક પર અમે પથ્થરોનો વરસાદ વરસાવ્યો,[1] અને કોઈને પ્રચંડ ધડાકાએ ઝડપી લીધા,[2] અને કોઈને અમે ધરતીમાં ખૂંપાવી દીધા,[3] અને કોઈને અમે પાણીમાં ડૂબાડી દીધા,[4] અલ્લાહ (તઆલા) એવો ન હતો કે તેમના ઉપર જુલમ કરે પરંતુ તેઓ પોતે જ પોતાના ઉપર જુલમ કરતા હતા.
(૪૧) જે લોકોએ અલ્લાહના સિવાય બીજાઓને પોતાના દોસ્ત બનાવી લીધા છે, તેમનું ઉદાહરણ કરોળિયા જેવું છે કે તે પણ એક ઘર બનાવે છે, જો કે બધા ઘરોમાં સૌથી વધારે કમજોર ઘર કરોળિયાનું જ ઘર છે,[1] કાશ! આ લોકો જાણતા.
(૪૨) અલ્લાહ (તઆલા) તે બધી વસ્તુઓને જાણે છે જે તેઓ તેના સિવાય પોકારી રહ્યા છે અને તે મોટો જબરજસ્ત અને હિકમતવાળો છે.
(૪૩) અને અમે આ ઉદાહરણો લોકોના માટે વર્ણન કરી રહ્યા છીએ, અને આને ફક્ત ઈલ્મવાળાઓ જ સમજે છે.[1]
(૪૪) અલ્લાહ (તઆલા) એ આકાશો અને ધરતીને સત્યપૂર્વક પેદા કર્યા છે, ઈમાનવાળાઓ માટે આમાં મોટી નિશાની છે. (ع-૪)