અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) આ લોકો તમને યુધ્ધમાં પ્રાપ્ત થયેલ માલ વિશે પૂછે છે,[1] તમે કહી દો કે યુધ્ધમાં પ્રાપ્ત થયેલ માલ અલ્લાહનો છે અને તેના રસૂલનો છે એટલા માટે તમે અલ્લાહથી ડરો અને પોતાના પરસ્પરના સંબંધોને સુધારો અને અલ્લાહ (તઆલા) અને તેના રસૂલના આદેશોનું પાલન કરો જો તમે ઈમાનવાળા છો.[2]
(૨) બસ ઈમાનવાળા જ એવા હોય છે કે જ્યારે અલ્લાહ (તઆલા)નું વર્ણન કરવામાં આવે તો તેમના દિલ ધ્રુજી ઊઠે છે અને જ્યારે અલ્લાહની આયતો તેમને પઢીને સંભળાવવામાં આવે છે તો તે આયતો તેમના ઈમાનમાં વધારો કરે છે અને તે લોકો પોતાના રબ ઉપર ભરોસો કરે છે.[1]
(૩) તે જેઓ નમાઝ પાબંદીથી પઢે છે અને જે કંઈ તેમને આપ્યુ છે તેમાંથી ખર્ચ કરે છે.
(૪) સાચા ઈમાનવાળા લોકો આ જ છે તેમના માટે તેમના રબ પાસે ઊંચા દરજ્જાઓ અને માફી અને ઈજ્જતની રોજી છે.
(૫) જેવી રીતે તમારા રબે સત્ય સાથે તમારા ઘરમાંથી તમને નીકાળ્યા, અને મુસલમાનોનું એક જૂથ તેને કઠીન સમજતુ હતું.
(૬) તે સ્પષ્ટ થઈ ગયા પછી સત્યની બાબતમાં તેઓ તમારા સાથે ઝઘડી રહ્યા હતા, જાણે કે તેઓ મૃત્યુ તરફ હંકારવામાં આવી રહ્યા હોય અને (તેને) જોઈ રહ્યા હોય.
(૭) અને તમે લોકો તે સમયને યાદ કરો કે જ્યારે અલ્લાહ તમારા સાથે તે બે જૂથોમાંથી એકનો વાયદો કરી રહ્યો હતો કે તે તમારા હાથમાં આવી જશે, અને તમે તે આશાએ હતા કે વગર હથિયારવાળું જૂથ તમારા હાથમાં આવી જાય,[1] અને અલ્લાહ (તઆલા)ની મરજી એ હતી કે પોતાના હુકમથી સત્યને સત્ય હોવું સાબિત કરી દે અને તે કાફિરોની જડ કાપી નાખે.
(૮) જેથી સત્ય, સત્ય થઈને રહે અને જૂઠ, જૂઠ થઈને રહે, ભલેને આ અપરાધીઓને પસંદ ન હોય.
(૯) તે સમયને યાદ કરો જ્યારે કે તમે પોતાના રબથી દુઆ કરી રહ્યા હતા, પછી અલ્લાહ (તઆલા)એ તમારી સાંભળી લીધી કે હું તમને એક હજાર ફરિશ્તાઓથી મદદ કરીશ જે એક પછી એક આવશે.[1]
(૧૦) અને અલ્લાહ (તઆલા)એ આ મદદ ફક્ત એ કારણે કરી કે તમારા માટે ખુશખબર હોય અને તમારા દિલોને શાંતિ પ્રાપ્ત થઈ જાય, અને મદદ ફક્ત અલ્લાહ તરફથી જ આવે છે,[1] બેશક અલ્લાહ ઘણો તાકાતવાળો અને હિકમતવાળો છે. (ع-૧)