(૮૪) અને (અમે) મદયનવાળાઓ તરફ તેમના ભાઈ શુઐબને (મોકલ્યા), તેમણે કહ્યું, “હે મારી કોમના લોકો! અલ્લાહની બંદગી કરો તેના સિવાય તમારો કોઈ મા'બૂદ નથી, અને તમે તોલ-માપમાં પણ કમી ન કરો,[1] હું તમને ખુશહાલ જોઈ રહ્યો છુ અને મને તમારા ઉપર ઘેરી લેનારા દિવસના અઝાબનો ડર પણ છે.”
(૮૫) હે મારી કોમના લોકો ! તોલ-માપ ન્યાય સાથે પુરેપૂરું કરો અને તેમની વસ્તુઓ ઓછી ન આપો, અને ધરતી ઉપર ફસાદ અને બગાડ ન ફેલાવો.
(૮૬) અલ્લાહ તઆલાએ હલાલ કરેલ બાકી ફાયદો તમારા માટે ઘણો જ સારો છે જો તમે ઈમાનદાર હોવ[1] હું કોઈ તમારો નિરીક્ષક (અને હકદાર) નથી.
(૮૭) (કોમે) જવાબ આપ્યો, “હે શુઐબ! શું તમારી નમાઝ[1] તમને એવો જ હુકમ આપે છે કે અમે અમારા બાપ-દાદાઓના દેવતાઓને છોડી દઈએ ? અને અમે અમારા માલમાં જે કંઈ કરવા ઈચ્છીએ તેને પણ કરવાનું છોડી દઈએ ? તમે તો મોટા સહનશીલ અને સત્યનિષ્ઠ છો.”
(૮૮) કહ્યું કે, “હે મારી કોમ ! જુઓ તો જો હું પોતાના રબ તરફથી સ્પષ્ટ દલીલ પર હોઉં અને તેણે પોતાના પાસેથી ઉત્તમ રોજી આપી રાખી છે, મારી કદી એવી મરજી નથી કે તમારો વિરોધ કરી પોતે તે વસ્તુ તરફ ઝૂકી જાઉ જેનાથી તમને રોકી રહ્યો છું, મારો ઈરાદો તો પોતાની તાકાત મુજબ સુધારણા કરવાનો છે અને મારી સદબુદ્ધિ અલ્લાહની મદદથી છે, તેના ઉપર મારો ભરોસો છે, અને હું તેના તરફ રજુ કરૂ છું.
(૮૯) અને હે મારી કોમના લોકો! એવું ન બને કે મારા વિરોધમાં આવીને તે સજાઓને પાત્ર બની જાઓ જે નૂહ અને હૂદ અને સાલેહની કોમને પહોંચી[1] અને લૂતની કોમ તો તમારાથી જરા પણ દૂર નથી.
(૯૦) અને તમે પોતાના રબથી માફી માંગો અને તેના તરફ ઝૂકી જાઓ, યકીન કરો કે મારો રબ ઘણો દયાળુ અને માયાળુ છે.
(૯૧) (કોમે) કહ્યું, “હે શુઐબ! તમારી વધારે પડતી વાતો અમારી સમજમાં નથી આવતી, અને અમે તમને અમારા અંદર ઘણા અશક્ત જોઈએ છીએ, જો તમારા કબીલાનો આદર ન હોત તો અમે તમારા પર પથરાવ કરી દેતા,[1] અને અમે તમને કોઈ સન્માનિત માણસ નથી સમજતા.”
(૯૨) (શુઐબે) જવાબ આપ્યો કે, “હે મારી કોમના લોકો! શું તમારા નજદીક મારા કબીલાના લોકો અલ્લાહથી પણ વધારે સન્માનિત છે કે તમે તેને પીઠ પાછળ નાખી દીધો છે, બેશક મારો રબ જે કંઈ તમે કરી રહ્યા છો તે બધાને ઘેરેલ છે.”
(૯૩) અને “હે મારી કોમના લોકો! હવે તમે પોતાની જગ્યા પર કામ કર્યા જાઓ, હું પણ કામ કરી રહ્યો છું, તમને નજીકમાં જ જાણ થઈ જશે કે કોના પાસે તે અઝાબ આવે છે જે તેને અપમાનિત કરી દે અને કોણ છે જે જૂઠો છે ? તમે પણ રાહ જુઓ અને હું પણ તમારા સાથે રાહ જોઈ રહ્યો છું.
(૯૪) અને જ્યારે અમારો હુકમ આવી પહોંચ્યો, અમે શુઐબ અને તેના સાથેના તમામ ઈમાનવાળાઓને પોતાની ખાસ કૃપાથી મુક્તિ આપી અને જાલિમોને ભારે ધડાકાના અઝાબે ઝડપી લીધા[1] તેના કારણે તેઓ પોતાના ઘરોમાં ઊંધા પડેલા બાકી રહી ગયા.
(૯૫) જેવા કે તેઓ તે ઘરોમાં કદી વસ્યા જ ન હતા, હોંશિયાર રહો, મદયનના માટે પણ તેવી જ દૂરી થાય જેવી દૂરી સમૂદની થઈ. (ع-૮)