(૨૫૮) શું તમે એને નથી જોયો, જેણે બાદશાહી મેળવી ઈબ્રાહીમ (અ.સ.) સાથે તેના પાલનહારના બારામાં ઝઘડો કર્યો, જ્યારે ઈબ્રાહીમે કહ્યું કે મારો રબ તો એ છે જે જીવતા કરે છે અને મારે છે, તે કહેવા લાગ્યો હું પણ જીવાડુ છું અને મારૂ છું. ઈબ્રાહીમ (અ.સ.) એ કહ્યું અલ્લાહ (તઆલા) સૂર્યને પૂર્વ તરફથી લઈ આવે છે, તું એને પશ્ચિમથી લઈ આવ, હવે તે કાફિર સ્તબ્ધ રહી ગયો અને અલ્લાહ જાલિમોને હિદાયત નથી આપતો.
(૨૫૯) અથવા તે માણસની જેમ જે તે વસ્તીમાંથી પસાર થયો જે છતોના બળે ઊંધી પડી હતી, કહેવા લાગ્યો તેની મોત પછી અલ્લાહ (તઆલા) તેને કેવી રીતે જીવતી કરશે, તો અલ્લાહ (તઆલા) એ તેને સો વર્ષ માટે મારી નાખ્યો, પછી તેને જીવતો ઉઠાવ્યો, પૂછ્યું “કેટલો સમય તારા પરથી પસાર થયો.” જવાબ આપ્યો કે, “એક દિવસ અથવા દિવસનો કેટલોક ભાગ.” કહ્યું કે, “પરંતુ તું સો વર્ષ સુધી રહ્યો, પછી હવે તું તારા ખાવા-પીવાને જો જે બિલ્કુલ ખરાબ નથી થયું, અને પોતાના ગધેડાને પણ જો, અમે તેને લોકોના માટે નિશાની બનાવીએ છીએ. તું જો કે અમે હાડકાંઓને કેવી રીતે ઊભા કરીએ છીએ પછી તેની પર માંસ ચઢાવીએ છીએ.” જ્યારે આ બધુ સ્પષ્ટ થઈ ગયું તો કહેવા લાગ્યો, “હું જાણુ છું કે અલ્લાહ (તઆલા) બધું જ જાણનાર છે.”
(૨૬૦) અને જ્યારે ઈબ્રાહીમ (અ.સ.) એ કહ્યું, “હે મારા રબ! મને બતાવ કે તું મડદાને કેવી રીતે જીવતા કરીશ?” અલ્લાહ (તઆલા) એ કહ્યું,”શું તમને ઈમાન નથી?” જવાબ આપ્યો “ઈમાન તો છે પરંતુ મારા દિલને શાંતિ થઈ જશે.” કહ્યું, “ચાર પક્ષીઓ લો, તેના ટુકડા કરી નાખો. પછી દરેક પહાડ પર તેના એક-એક ભાગ રાખી દો. પછી તેને પોકારો તમારા પાસે દોડીને આવી જશે.” અને જાણી લો કે અલ્લાહ (તઆલા) જબરદસ્ત હિકમત વાળો છે.