Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૭૭) બધી નેકી પૂર્વ અને પશ્ચિમ તરફ મોઢું કરવામાં જ તથી, પરંતુ હકીકતમાં સારો માણસ તે છે જે અલ્લાહ (તઆલા) પર, કયામતના દિવસ પર, ફરિશ્તાઓ પર, અલ્લાહની કિતાબો પર અને નબીઓ પર ઈમાન રાખવાવાળો છે, જે માલથી મોહબ્બત હોવા છતાં રિશ્તેદારો, અનાથો, ગરીબો, મુસાફરો અને ભિખારીઓને આપે, કેદીઓને છોડાવે, નમાઝની પાબંદી કરે, ઝકાત આપે, જયારે વચન આપે તો તેને પુરું કરે, માલની કમી, દુઃખ દર્દ અને લડાઈના સમયે સબ્ર કરે, આ જ સાચા લોકો છે અને આ જ પરહેઝગાર (ગુનાહોથી બચનાર) છે.
(૧૭૮) હે ઈમાનવાળાઓ! તમારા પર કતલ કરવામાં આવેલ માણસનો બદલો લેવાનું ફર્ઝ (અનિવાર્ય) કરવામાં આવેલ છે. આઝાદના બદલામાં આઝાદ, ગુલામના બદલામાં ગુલામ, સ્ત્રીના બદલામાં સ્ત્રી, હાં, અગર જે કોઈને તેના ભાઈ તરફથી માફ કરી દેવામાં આવે, તેણે ભલાઈનું સન્માન કરવું જોઈએ અને આસાની સાથે દીયત (માલ જે કતલના બદલામાં લેવામાં આવે) આપવી જોઈએ[73] , તમારા રબ તરફથી આ છૂટ છે અને મહેરબાની છે,[74] આના પછી પણ જો કોઈ હદ વટાવશે, તેણે ઘણા અઝાબનો સામનો કરવો પડશે.[75]
(૧૭૯) અકલમંદો! કિસાસ (પ્રતિહત્યા, હત્યાદંડ) માં તમારા માટે જીવન છે, જેના કારણે તમે (કતલ કરવાથી) રોકાશો.[76]
(૧૮૦) તમારા પર ફર્ઝ કરી દેવામાં આવે છે કે જયારે તમારામાંથી કોઈ મરવા લાગે અને માલ છોડી જતો હોય, તો પોતાના માતા-પિતા અને રિશ્તેદારોના માટે ભલાઈ સાથે વસીયત કરી જાય.[77] પરહેઝગારો પર આ ફર્ઝ સ્પષ્ટ છે.
(૧૮૧) હવે જે માણસ તેને સાંભળ્યા પછી બદલી નાખે, તો તેનો ગુનોહ બદલવાવાળા પર જ હશે, બેશક અલ્લાહ તઆલા સાંભળનાર અને જાણનાર છે.
(૧૮૨) હા, જેઓ વસીયત કરનારના પક્ષપાત અને ગુનાહથી ડરે અને જો તેઓ તેમનામાં એકબીજામાં સુધાર કરાવી આપે, તો તેમના પર ગુનોહ નથી, અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન છે.