અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) આકાશો અને ધરતીની દરેક વસ્તુ અલ્લાહ (તઆલા)ની પવિત્રતા (તસ્બીહ)નું વર્ણન કરે છે અને તે જોરાવર હિકમતવાળો છે.
(૨) તે જ છે જેણે કિતાબવાળાઓમાંથી કાફિરોને તેમના ઘરોમાંથી પ્રથમ વખત એક સામટા કાઢી મૂક્યા,[1] તમે ધારતા (પણ) ન હતા કે તેઓ નીકળશે, અને તેઓ પોતે પણ સમજતા હતા કે તેમના (મજબૂત) કિલ્લાઓ તેમને અલ્લાહ (ના અઝાબ) થી બચાવી લેશે, તો તેમના ઉપર અલ્લાહનો અઝાબ એવા સ્થળેથી આવી ગયો કે તેમને અંદાજો પણ નહતો અને તેમના દિલોમાં અલ્લાહ (તઆલા) એ ડર નાખી દીધો. તેઓ પોતાના ઘરોને પોતાના જ હાથો વડે બરબાદ કરી રહ્યા હતા અને મુસલમાનોના હાથે (બરબાદ કરાવી રહ્યા હતા) તો હે આંખોવાળાઓ! નસીહત પ્રાપ્ત કરો.
(૩) અને જો અલ્લાહ (તઆલા) એ તેમના પર દેશ-નિકાલ ન લખી દીધો હોત તો ચોક્કસ રૂપે તેમને દુનિયામાં જ સજા આપતો[1] અને આખિરતમાં (તો) તેમના માટે આગનો અઝાબ છે જ.
(૪) આ એટલા માટે કે તેમણે અલ્લાહ અને તેના રસૂલનો વિરોધ કર્યો, અને જે કોઈપણ અલ્લાહનો વિરોધ કરશે, તો અલ્લાહ પણ અઝાબ આપવામાં ખૂબજ કઠોર છે.
(૫) તમે જે ખજૂરના વૃક્ષોને કાપી નાખ્યા અને જેને તમે તેમના થડીયા પર બાકી રહેવા દીધા, આ બધુ અલ્લાહના હુકમથી હતુ અને એટલા માટે પણ કે નાફરમાનોને અલ્લાહ (તઆલા) અપમાનિત કરે.[1]
(૬) અને તેમનો જે માલ અલ્લાહ (તઆલા) એ પોતાના રસૂલને અપાવ્યો જેના પર તમે ન ઘોડા દોડાવ્યા અને ન ઊંટ, પરંતુ અલ્લાહ (તઆલા) પોતાના રસૂલને જેના પર ચાહે તેના પર વિજયી કરી દે છે[1] અને અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર શક્તિમાન છે.
(૭) વસ્તીવાળાઓનો જે માલ (ધન) અલ્લાહ (તઆલા) એ તમોને લડાઈ કર્યા વગર તેના રસૂલને અપાવ્યો, તે અલ્લાહનો છે અને રસૂલનો, નજીકના સગાઓનો, અનાથોનો, ગરીબોનો અને મુસાફરોનો છે, જેથી તમારા માલદારોના હાથોમાં જ આ માલ ફરતો ન રહી જાય,[1] અને તમને રસૂલ જે આપે તે લઈ લો અને જેનાથી રોકે તેનાથી રોકાઈ જાઓ અને અલ્લાહ (તઆલા)થી ડરતા રહો, બેશક અલ્લાહ (તઆલા) સખત સજા આપનાર છે.
(૮) (ખાસ કરીને તે માલ) તે ગરીબ હિજરત કરનારાઓ માટે છે, જેમને પોતાના ઘરો અને માલ-દોલતથી કાઢી મૂકવામાં આવ્યા છે, તેઓ અલ્લાહની દયા અને પ્રસન્નતાને ચાહે છે અને અલ્લાહ અને તેના રસૂલની મદદ કરે છે, આ જ સાચા લોકો છે.[1]
(૯) અને (તેમના માટે) જેમણે આ ઘરમાં (મદીનામાં) અને ઈમાનમાં તેમના પહેલા જગ્યા (સ્થાન) મેળવી ચૂક્યા છે,[1] અને પોતાની પાસે જે કોઈ પણ હિજરત કરીને આવે છે તેમનાથી મોહબ્બત રાખે છે અને મુહાજિરો (હિજરત કરનારાઓ) ને જે કંઈ આપવામાં આવે છે, તેથી તેઓ પોતાના દિલમાં જરાય તંગી (સંકોચ) રાખતા નથી, પરંતુ પોતાના કરતા પણ તેમને પ્રાથમિક્તા વધુ આપે છે, ભલેને તેમને પોતાને કેટલીય વધારે જરૂરત કેમ ન હોય.[2] (વાત એ છે) કે જે પણ પોતાની મનેચ્છાઓ (દિલની કંજૂસી) થી દુર રહ્યો તે જ સફળ થનાર છે.[3]
(૧૦) અને (તેમના માટે) જેઓ તેમના પછી આવ્યા અને કહેશે કે, “હે અમારા રબ! અમને માફ કરી દે અને અમારા તે ભાઈઓને પણ જે અમારાથી પહેલા ઈમાન લાવ્યા છે અને ઈમાનવાળા તરફથી અમારા દિલોમાં વેર (તથા દુશ્મની) ન નાખ. હે અમારા રબ! બેશક તું માયાળુ અને દયાળુ છે.” (ع-૧)