(૩૪) (ફિરઔન) પોતાના નજીકના સરદારોને કહેવા લાગ્યો કે, “આ તો કોઈ મોટો માહેર જાદૂગર છે.”
(૩૫) એ તો ઈચ્છે છે કે પોતાના જાદૂના જોરે તમને તમારી ધરતીમાંથી કાઢી મૂકે, બતાવો હવે તમે શું અભિપ્રાય આપો છો ? ”
(૩૬) તે બધાએ કહ્યું, “આપ એને અને એના ભાઈને રોકી રાખો અને તમામ નગરોમાં જમા કરવાવાળાઓને મોકલી દો.
(૩૭) જે તમારા પાસે માહેર જાદૂગરોને લઈ આવે.
(૩૮) પછી એક નિર્ધારિત દિવસના સમય પર બધા જાદૂગરોને ભેગા કરવામાં આવ્યા.
(૩૯) અને બધા લોકોને પણ કહી દેવામાં આવ્યુ કે તમે પણ જમા થઈ જાઓ.
(૪૦) જેથી જો જાદૂગર પ્રભાવી થઈ જાય તો અમે તેમનું જ અનુસરણ કરીશું.
(૪૧) જાદૂગરો આવીને ફિરઔનને કહેવા લાગ્યા કે, “જો અમે જીતી જઈએ તો અમને કંઈક ઈનામ પણ મળશે ? ”
(૪૨) ફિરઔને કહ્યું, “હાં, (વધારે ખુશીથી) બલ્કે આવી સ્થિતિમાં તમે મારા ખાસ દરબારી બની જશો.”
(૪૩) મૂસાએ જાદૂગરોને કહ્યું, “જે કંઈ તમારે નાખવું હોય તે નાખી દો.”
(૪૪) તેમણે પોતાના દોરડા અને લાઠીઓ નાખી દીધા અને કહેવા લાગ્યા, “ફિરઔનની ઈજ્જતની ક્સમ ! અમે જરૂર વિજયી રહીશું.”
(૪૫) હવે મૂસાએ પણ પોતાની લાઠી નાખી દીધી, જેણે તે જ ક્ષણે તેમના જૂઠા બનાવેલા તમાશાને ગળવાનું શરૂ કરી દીધું.
(૪૬) આ જોતા જ જાદૂગરો સિજદામાં પડી ગયા.
(૪૭) અને તેમણે સ્પષ્ટ રીતે કહી દીધુ કે, “અમે તો તમામ લોકોના રબ પર ઈમાન લઈ આવ્યા.
(૪૮) એટલે કે મૂસા અને હારૂનના રબ પર.”
(૪૯) (ફિરઔને) કહ્યું કે, “મારી પરવાનગી પહેલા તમે તેના પર ઈમાન લઈ આવ્યા, જરૂર આ તમારો સરદાર (મોટો ગુરૂ) છે. જેણે તમને બધાને જાદૂ શિખવાડ્યુ છે,[1] તો તમને હમણાં જ ખબર પડી જશે, કસમ છે હું તમારા હાથ-પગ ઉલટી દિશામાંથી કપાવડાવીશ અને તમને બધાને શૂળીએ ચઢાવીશ.”
(૫૦) તેમણે કહ્યું કે, “કોઈ વાંધો નહિ, અમે તો અમારા રબ તરફ પાછા ફરનારા છીએ.”
(૫૧) અમે સૌ પ્રથમ ઈમાન લાવનારા બન્યા એના આધારે અમને આશા છે કે અમારો રબ અમારા તમામ ગુનાહોને માફ કરી દેશે. (ع-૩)