(૭૦) હે નબી ! પોતાના હાથ નીચેના કેદીઓને કહી દો કે જો અલ્લાહ (તઆલા) તમારા દિલોમાં સારો ઈરાદો જોશે તો જે કંઈ તમારા પાસેથી લેવામાં આવ્યું છે, તેનાથી સારૂં તમને આપશે, અને પછી ગુનાહ પણ માફ કરી દેશે, અને અલ્લાહ દરગુજર કરનાર અને દયાળુ છે.
(૭૧) અને જો તેઓ તમારા સાથે વિશ્વાસઘાતનો મામલો કરશે તો તેઓ આના પહેલા અલ્લાહ સાથે વિશ્વાસઘાત કરી ચૂક્યા છે, અને તેણે તેઓને પકડાવી દીધા અને અલ્લાહ (તઆલા) ઈલ્મવાળો અને હિકમતવાળો છે.
(૭૨) જે લોકો ઈસ્લામ ધર્મ પર ઈમાન લાવ્યા અને હિજરત (સ્થળાંતર) કરી ગયા અને પોતાના માલ અને જાનથી અલ્લાહના માર્ગમાં જિહાદ કર્યો,[1] અને જે લોકોએ તેમને પનાહ આપી અને મદદ કરી,[2] આ બધા પરસ્પર એકબીજાના દોસ્ત છે અને જેઓ ઈમાન લાવ્યા પરંતુ હિજરત ન કરી તો તમારા સાથે તેમની જરા પણ મિત્રતા નથી જ્યાં સુધી કે તેઓ હિજરત ન કરે.[3] હાં, જો તેઓ ધર્મના મામલામાં તમારા પાસે મદદ માંગે તો તેમની મદદ કરવી તમારા ઉપર જરૂરી છે, સિવાય તે લોકોના જેમના સાથે તમારા અને તેમની વચ્ચે કરાર થયેલો હોય, અને જે કંઈ પણ તમે કરી રહ્યા છો તેને અલ્લાહ સારી રીતે જોઈ રહ્યો છે.
(૭૩) અને કાફિરો પરસ્પર એકબીજાના દોસ્ત છે, જો તમે એવું ન કર્યું તો દેશમાં ફિતનો થશે અને ઘણી અરાજકતા પેદા થઈ જશે.
(૭૪) જેઓ ઈમાન લાવ્યા અને હિજરત કરી અને અલ્લાહ ના માર્ગમાં જિહાદ કર્યો અને જેમણે પનાહ આપી અને મદદ પહોંચાડી, આ જ લોકો સાચા ઈમાનવાળા છે, તેમના માટે માફી અને ઈજ્જતવાળી રોજી છે.
(૭૫) અને જે લોકો પછીથી ઈમાન લાવ્યા અને હિજરત કરી અને તમારા સાથે મળીને જિહાદ કર્યો, તો આ લોકો પણ તમારામાંથી જ છે અને સંબંધોવાળા તેમનામાંથી પરસ્પર એકબીજાના વધારે નજદીક છે અલ્લાહની કિતાબમાં,[1] બેશક અલ્લાહ દરેક વસ્તુને જાણે છે. (ع-૧૦)