(૯૪) અય ઈમાનવાળાઓ! અલ્લાહ (તઆલા) કેટલાક શિકાર વડે તમારી પરીક્ષા કરે છે,[70] જેમના સુધી તમારા હાથ અને તમારા ભાલા પહોંચી શકશે, જેથી અલ્લાહ (તઆલા) જાણી લે કે કયો વ્યક્તિ તેને જોયા વગર તેનાથી ડરે છે, જે વ્યક્તિ આના પછી હદથી આગળ વધી જશે તેના માટે સખત સજા છે.
(૯૫) અય ઈમાનવાળાઓ! જ્યારે તમે (હજ અથવા ઉમરાહના) અહેરામની હાલતમાં રહો તો શિકાર ન કરો અને તમારામાંથી જે કોઈપણ જાણી જોઈને તેને મારે[71] તો તેને ફિદિયો આપવાનો છે તેના સમાન[72] પાલતુ જાનવરથી જેનો ફેંસલો તમારામાંથી બે આદિલ વ્યક્તિ કરશે જે કુરબાની માટે કા’બા સુધી પહોંચાડવામાં આવશે, અથવા ફિદિયા રૂપે ગરીબોને ખવડાવવાનું રહેશે, અથવા તેના બરાબર રોઝા રાખવાના છે જેથી પોતાના કરેલાની સજા માણો, જે પહેલા થઈ ગયું તેને અલ્લાહે માફ કરી દીધુ અને જે કોઈ આના (મનાઈ હુકમ) પછી આવું ફરી કરશે અલ્લાહ તેનાથી બદલો લેશે, અલ્લાહ શક્તિશાળી બદલો લેવાવાળો છે.
(૯૬) તમારા માટે સમુદ્રનો શિકાર પકડવો અને ખાવો હલાલ કરેલ છે.[73] તમારા ઉપયોગના માટે અને મુસાફરોના માટે, અને જમીન પરનો શિકાર હરામ કરવામાં આવ્યો જ્યાં સુધી તમે અહેરામની હાલતમાં હોવ, અને અલ્લાહ (તઆલા)થી ડરો જેના પાસે ભેગા કરવામાં આવશે.
(૯૭) અલ્લાહ (તઆલા)એ કા’બાને જે અદબવાળુ ઘ૨ છે, લોકો માટે કાયમ રહેવાનું કારણ બનાવ્યુ અને હુરમતવાળા મહિનાને અને હરમમાં કુરબાની આપવામાં આવતા જાનવરોને પણ અને તે જાનવરોને પણ જેમના ગળામાં પટ્ટાઓ હોય.[74] આ એટલા માટે જેથી તમે એ વાત પર યકીન કરી લો કે બેશક અલ્લાહ (તઆલા) આકાશો અને ધરતીની અંદરની વસ્તુઓનું ઈલ્મ રાખે છે અને બેશક અલ્લાહ દરેક વસ્તુને સારી રીતે જાણે છે.
(૯૮) તમે યકીન કરો કે અલ્લાહ (તઆલા) સજા પણ સખત આપવાવાળો છે અને અલ્લાહ (તઆલા) ઘણો બખ્શવાવાળો અને ઘણો મહેરબાન પણ છે.
(૯૯) રસૂલનું કર્તવ્ય તો ફક્ત પહોંચાડવાનું છે અને અલ્લાહ (તઆલા) તે બધું જ જાણે છે જે કંઈ તમે જાહેર કરો છો અને જે કંઈ છૂપાવી રાખો છો.
(૧૦૦) તમે કહી દો કે, અપવિત્ર અને પવિત્ર સમાન નથી, ભલેને તમને અપવિત્રતા વધારે સારી લાગતી હોય, અલ્લાહ (તઆલા)થી ડરતા રહો, અય અકલમંદો! જેથી તમે કામયાબ થઈ જાઓ. (ع-૧૩)