અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) હે લોકો! પોતાના તે પાલનહારથી ડરો જેણે તમને એક જીવથી પેદા કર્યા અને તેનાથી તેની પત્નીને પેદા કરી[2] અને બંનેથી ઘણા પુરૂષો અને સ્ત્રીઓ ફેલાવી દીધા અને તે અલ્લાહથી ડરો જેના નામ પર એકબીજાથી માંગો છો અને સંબંધ તોડવાથી[3] (પણ બચો), બેશક અલ્લાહ તમારા પર નિગેહબાન (નિરીક્ષક) છે.
(૨) અને અનાથોને તેમનો માલ આપી દો અને પવિત્રને બદલે અપવિત્ર ન લો અને પોતાના માલમાં ભેળવીને તેમનો માલ ન ખાઓ, બેશક આ મોટો ગુનોહ છે.
(૩) અને જો તમને ડર હોય કે અનાથ છોકરીઓથી નિકાહ કરીને તમે ન્યાય નહિં કરી શકો તો બીજી સ્ત્રીઓમાં જે તમને સારી લાગે તમે તેમનાથી નિકાહ કરી લો, બે-બે, ત્રણ-ત્રણ, ચાર-ચાર, પરંતુ જો ન્યાય ન રાખી શકવાનો ડર છે તો એક જ પૂરતી છે અથવા તમારા કબ્જાની દાસીઓ વધારે નજદીક છે કે (આવુ કરવાથી અન્યાય અને) એક તરફ ઝૂકી જવાથી બચો.[4]
(૪) અને સ્ત્રીઓને તેમની મહેર (જે રકમ લગ્નના માટે માન્ય હોય) મરજીથી આપી દો, અને જો તેઓ પોતે પોતાની મરજીથી કેટલુંક મહેર છોડી દે તો તેને પોતાની મરજીથી ખાઓ પીઓ.
(૫) અને નાસમજને પોતાનો માલ જેને અલ્લાહે તમારો સહારો બનાવ્યો છે ન સોંપો અને તેમાંથી તેમને ખવડાવો અને પહેરાવો અને તેમના સાથે નરમીથી વાત કરો.
(૬) અને અનાથોને તેમના બાલિગ થઈ જવા સુધી સુધારતા રહો અને પરીક્ષા કરતા રહો, પછી જો તમે તેમનામાં સુધાર જુઓ તો તેમને તેમનો માલ સોંપી દો, અને તેમના મોટા થઈ જવાના ડરથી તેમના માલને જલ્દી જલ્દી વ્યર્થ રીતે ન ખાઓ, માલદારોને જોઈએ કે તેમના માલથી બચતા રહે, જો ગરીબ હોય તો નિયમ મુજબ ખાઓ, પછી જયારે તેમને તેમનો માલ સોંપો તો ગવાહ બનાવી લો, અને હિસાબ લેવા માટે અલ્લાહ પૂરતો છે.
(૭) માતા-પિતા અને નજીકના રિશ્તેદારોની સંપત્તિમાં પુરૂષોનો હિસ્સો છે અને સ્ત્રીઓનો પણ (જે ધન-સંપત્તિ માતા-પિતા અને નજીકના રિશ્તેદાર છોડીને મરે) ભલે ને તે ધન ઓછું હોય અથવા વધારે (તમાં) હિસ્સાઓ નક્કી કરેલા છે.[5]
(૮) અને જયારે વહેંચણી વખતે રિશ્તેદાર, અનાથ અને ગરીબ આવી જાય, તો તમે તેમાંથી થોડું ઘણું તેમને પણ આપી દો અને તેમના સાથે નરમીથી વાત કરો.[6]
(૯) અને જોઈએ કે તેઓ એ વાતથી ડરે કે જો તેઓ પોતાના પાછળ (નાના-નાના) કમજોર બાળકો છોડી જતા, જેમના ખરાબ થઈ જવાનો ડર રહે છે (તો તેમની મોહબ્બત શું હોત), તો બસ અલ્લાહ (તઆલા)થી ડરીને સીધી વાત કહ્યા કરે.
(૧૦) જે લોકો નાહક જુલમથી અનાથોનો માલ ખાઈ જાય છે, તેઓ પોતાના પેટમાં આગ જ ભરી રહ્યા છે અને તેઓ જહન્નમમાં જશે. (ع-૧)