(૧૫૮) તમે કહી દો કે, “હે લોકો! હું તમારા બધા તરફ તે અલ્લાહનો મોકલેલ છું જેનું રાજય તમામ આકાશો અને ધરતીમાં છે, તેના સિવાય કોઈ બંદગીને લાયક નથી, તે જ જીવન પ્રદાન કરે છે અને મૃત્યુ પણ તે જ આપે છે, એટલા માટે અલ્લાહ ઉપર અને તેના રસૂલ ઉમ્મી નબી ઉપર ઈમાન લાવો કે જે અલ્લાહ ઉપર અને તેના હુકમો ઉપર ઈમાન રાખે છે અને તેમનું અનુસરણ કરો જેથી સાચા માર્ગ ઉપર આવી જાઓ.
(૧૫૯) અને મૂસાની કોમમાં એક જૂથ એવું પણ છે જે સત્ય અનુસાર હિદાયત કરે છે અને તેના અનુસાર જ ન્યાય કરે છે.[1]
(૧૬૦) અને અમે તેમને બાર કબીલાઓમાં વહેંચી બધાના અલગ અલગ જૂથ નક્કી કરી દીધા[1] અને અમે જ્યારે તેની કોમે (સમુદાયે) પાણી માગ્યુ ત્યારે મૂસાને હુકમ આપ્યો કે પોતાની લાઠીને અમુક પથ્થર પર મારો, પછી તરત જ તેમાંથી બાર ઝરણાં ફૂટી નીકળ્યા, દરેક જૂથે પોતાની પાણી પીવાની જગ્યા જાણી લીધી, અને અમે તેમના ઉપર વાદળોનો છાંયડો કર્યો, અને તેમના ઉપર મનન અને સલ્વા ઉતાર્યા કે ખાઓ પવિત્ર મજેદાર વસ્તુઓ, જે અમે તમને આપી છે, અને તેઓએ અમારું કોઈ નુકસાન નથી કર્યું બલ્કે પોતાનું જ નુકસાન કરતા હતા.
(૧૬૧) અને જયારે તેમને હુકમ આપવામાં આવ્યો કે તમે લોકો તે વસ્તીમાં જઈને રહો અને ખાઓ, તેમાંથી જે જગ્યા પર તમે રૂચિ રાખો અને મોઢાથી એ કહેતા જજો કે માફી માંગીએ છીએ અને ઝુકી ઝુકીને દરવાજાથી પ્રવેશ કરજો, અમે તમારી ભૂલોને માફ કરી દઈશું, જે કોઈ ભલાઈ કરશે તેને આનાથી વધારે પ્રદાન કરીશું.
(૧૬૨) તો તે જાલિમોએ વાત બદલી નાખી જે વિરૂધ્ધ હતી તે વાતથી જેનો તેમને હુકમ આપવામાં આવ્યો હતો. પરિણામે અમે આકાશમાંથી એક મુસીબત મોકલી, કારણ કે તેઓ જુલમ કર્યા કરતા હતા. (ع-૨૦)