(૫૭) અને જ્યારે મરયમના પુત્રનો દાખલો આપવામાં આવ્યો તો તેનાથી તમારી કોમ (ખુશીથી) પોકારી ઉઠી.
(૫૮) અને તેઓએ કહ્યું કે અમારા મા'બૂદો સારા છે કે તે ? તારાથી તેમનું આ કહેવું માત્ર ઝઘડાના મકસદથી છે, બલ્કે આ લોકો છે જ ઝઘડાખોર.
(૫૯) તે (ઈસા અ.સ.) પણ ફક્ત બંદા જ છે જેના પર અમે ઉપકાર કર્યા અને તેમને ઈસરાઈલની સંતાન માટે (અમારી કુદરતની) નિશાની બનાવ્યા.
(૬૦) જો અમે ચાહતા તો તમારા બદલામાં ફરિશ્તાઓ કરી દેતા જે ધરતી પર એકબીજાના વારસદારનું કામ કરતા.
(૬૧) અને બેશક તે (ઈસા અ.સ.) કયામતની એક નિશાની છે, તો તમે કયામતના વિશે શંકા ન કરો અને મારી વાત માની લો, આ જ સીધો માર્ગ છે.
(૬૨) અને શેતાન તમને રોકી ન દે, બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે.
(૬૩) અને જયારે ઈસા (અ.સ.) ચમત્કારો લાવ્યા તો કહ્યું કે હું તમારા પાસે હિકમત લાવ્યો છું અને એટલા માટે આવ્યો છું કે જે થોડી વાતોમાં તમે મતભેદ કરો છો, તેને સ્પષ્ટ કરી દઉં, તો તમે અલ્લાહ (તઆલા) થી ડરો અને મારું કહ્યું માનો.
(૬૪) મારો અને તમારો રબ ફક્ત અલ્લાહ જ છે તો તમે બધા તેની બંદગી કરો, સીધો માર્ગ આ જ છે.
(૬૫) પછી (ઈસરાઈલની સંતાનના) જૂથોએ પરસ્પર મતભેદ કર્યો, તો જાલિમોના માટે ખરાબી છે, દુઃખવાળા દિવસના અઝાબથી.
(૬૬) શું આ લોકો ફક્ત કયામતની રાહ જોઈ રહ્યા છે કે તે અચાનક તેમના ઉપર આવી પડે અને તેમને ખબર પણ ન હોય ?
(૬૭) તે દિવસે (નજીકના) દોસ્ત પણ એકબીજાના દુશ્મન બની જશે સિવાય પરહેઝગારોના. (ع-૬)