(૨૭) હે ઈમાનવાળાઓ ! પોતાના ઘર સિવાય બીજાઓના ઘરોમાં પ્રવેશ ન કરો જ્યાં સુધી પરવાનગી ન લઈ લો, અને ત્યાંના રહેનારાઓને સલામ ન કરી લો,[1] આ જ તમારા માટે બહેતર છે જેથી તમે નસીહત પ્રાપ્ત કરો.
(૨૮) જો ત્યાં તમને કોઈ ન મળી શકે તો પછી પરવાનગી મળ્યા વગર અંદર પ્રવેશ ન કરો અને જો તમને પાછા જવાનું કહેવામાં આવે તો તમે પાછા ચાલ્યા જાઓ, આ તમારા માટે વધારે સુથરાઈ છે, તમે જે કંઈ કરી રહ્યા છો અલ્લાહ (તઆલા) તેને ખૂબ જાણે છે.
(૨૯) હા, જેમાં લોકો રહેતા ન હોય એવા ઘરોમાં જવામાં કોઈ દોષ નથી[1] જ્યાં તમારો કોઈ ફાયદો અથવા સામાન હોય, તમે જે કંઈ પણ જાહેર કરો છો અને જે કંઈ છૂપાવો છો અલ્લાહ (તઆલા) તે બધું જ જાણે છે.[2]
(૩૦) મુસલમાન પુરૂષોને કહો કે પોતાની નજરો નીચી રાખે, અને પોતાના ગુપ્તાંગો (શર્મગાહો)ની રક્ષા કરે, આ જ તેમના માટે પવિત્રતા છે, લોકો જે કંઈ કરી રહ્યા છે અલ્લાહ (તઆલા) બધું જાણે છે.
(૩૧) અને મુસલમાન સ્ત્રીઓને કહો કે તેઓ પણ પોતાની નજરો નીચી રાખે અને પોતાના સતીત્વની રક્ષા કરે અને પોતાના શણગારને જાહેર ન કરે[1] સિવાય તેના કે જે જાહેર થઈ જાય,[2] અને પોતાની છાતીઓ પર પોતાની ઓઢણીઓને પૂરી રીતે ફેલાવી રાખે[3] અને પોતાના શણગારને કોઈના સામે જાહેર ન કરે, સિવાય પોતાના પતિના, અથવા પોતાના પિતાના, અથવા પોતાના સસરાના, અથવા પોતાના પુત્રોના અથવા પોતાના પતિના પુત્રોના, અથવા પોતાના ભાઈઓના, અથવા પોતાના ભત્રીજાઓના અથવા પોતાના ભાણિયાઓના,[4] અથવા પોતાની સહેલીઓના,[5] અથવા ગુલામોના, અથવા નોકરોમાંથી એવા પુરૂષોના કે જેમનો આશય કામુકતાનો ન હોય અથવા એવા બાળકોના જે સ્ત્રીઓની છૂપી વાતો વિશે જાણતા ન હોય,[6] અને આ રીતે જોરથી પગ પછાડીને ન ચાલે કે તેમના છૂપા શણગારની ખબર પડી જાય, અને હે મુસલમાનો ! તમે સૌ અલ્લાહના દરબારમાં માફી માંગો જેથી તમે સફળતા પામો.
(૩૨) અને તમારામાંથી જે પુરૂષો અને સ્ત્રીઓ યુવાનીએ પહોંચી ગયા હોય તેમના નિકાહ કરી નાખો અને પોતાના નેક દાસ અને દાસીના પણ, જો તેઓ ગરીબ પણ હશે તો અલ્લાહ (તઆલા) પોતાની કૃપાથી તેમને ધનવાન બનાવી દેશે,[1] અલ્લાહ (તઆલા) ઉદારતાવાળો અને ઈલ્મવાળો છે.
(૩૩) અને તે લોકોએ પવિત્ર રહેવું જોઈએ જેઓ પોતાના નિકાહ કરવાની તાકાત નથી રાખતા, ત્યાં સુધી કે અલ્લાહ (તઆલા) પોતાની કૃપાથી તેમને ધનવાન બનાવી દે, તમારા દાસોમાંથી જો કોઈ તમને કંઈક આપી મુક્તિનો લેખ કરાવવા ચાહે તો તમે તેમને એવો લેખ લખી આપો ,જો તમને તેમનામાં કોઈ ભલાઈ દેખાતી હોય,[1] અને અલ્લાહે જે માલ તમને આપી રાખ્યો છે તેમાંથી તેમને પણ આપો, તમારી દાસીઓ જે પવિત્ર રહેવા ઈચ્છે છે, તેમને દુનિયાની જિંદગીના ફાયદાના કારણે બૂરા કામ માટે મજબૂર ન કરો,[2] અને જે કોઈ તેમને મજબૂર કરે તો અલ્લાહ (તઆલા) તેમના મજબૂર કર્યા પછી માફ કરી દેવાવાળો અને દયાળુ છે.[3]
(૩૪) અને અમે તમારા તરફ સ્પષ્ટ આયતો ઉતારી છે અને તે લોકોની કહેવતો જેઓ તમારા પહેલા પસાર થઈ ચૂક્યા છે અને પરહેઝગારો માટે નસીહત. (ع-૪)