Surah Ali 'Imran
સૂરહ આલે ઈમરાન
સૂરહ આલે ઈમરાન
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૪૨) અને જયારે ફરિશ્તાઓએ કહ્યું, અય મરયમ! અલ્લાહ (તઆલા)એ તને પસંદ કરી લીધી અને તને પવિત્ર કરી દીધી, અને દુનિયાની તમામ સ્ત્રીઓમાંથી તને ચૂંટી લીધી.[25]
(૪૩) અય મરયમ! તું પોતાના રબના હુકમોનું પાલન કર અને સિજદો કર અને રકૂઅ કરનારાઓની સાથે રુકૂઅ કર.
(૪૪) આ ગૈબની ખબરોમાંથી છે, જેને અમે તમને વહી કરી રહ્યા છે, ત્યારે તમે તે વખતે તેમના પાસે ન હતા જયારે તેઓ પોતાના કલમ નાખી રહ્યા હતા કે તેમનામાંથી મરયમની પરવરિશ કોણ કરશે? અને ન તમે તેમના ઝઘડા વખતે તેમના પાસે હતા. [26]
(૪૫) જયારે ફરિશ્તાઓએ કહ્યું અય મરયમ તને અલ્લાહ (તઆલા) પોતાના એક કલિમા[27] ની ખુશખબર આપે છે જેનું નામ મસીહ ઈસા ઈબ્ને મરયમ છે. જે દુનિયા અને આખિરતમાં સન્માનિત છે અને તે મારા નિકટવર્તી લોકોમાંથી છે.
(૪૬) તે લોકોથી પારણામાં વાત કરશે અને આધેડ વયમાં પણ[28] , અને તે નેક પુરૂષો (સદાચારીઓ) માંથી હશે.
(૪૭) કહેવા લાગી, “મારા રબ! મને પુત્ર કેવી રીતે થશે? જયારે કે મને કોઈ પુરૂષે સ્પર્શ પણ નથી કર્યો?'' ફરિશ્તાઓએ કહ્યું, આ રીતે અલ્લાહ (તઆલા) જે ઈચ્છે પેદા કરે છે, જયારે પણ તે કોઈ કામ કરવા ઈચ્છે છે તો ફક્ત કહી દે છે “થઈ જા” તો તે થઈ જાય છે.
(૪૮) અને અલ્લાહ (તઆલા) તેને લખવાનું અને હિકમત અને તૌરાત તથા ઈન્જીલ શિખવશે.
(૪૯) અને તે ઈસરાઈલની સંતાનનો રસૂલ હશે કે હું તમારા પાસે તમારા રબની નિશાની લાવ્યો છું, હું તમારા માટે પક્ષીના રૂપ જેવું જ માટીનું પૂતળું બનાવું છું, પછી તેમાં ફૂંક મારૂ છું, તો તે અલ્લાહ (તઆલા)ના હુકમથી પક્ષી બની જાય છે અને હું અલ્લાહ (તઆલા)ના હુકમથી જન્મજાત આંધળા અને કુષ્ઠરોગીને સાજો કરી દઉં છું અને મડદાઓને જીવતા કરી દઉં છું અને જે કંઈ તમે ખાઓ અને જે કંઈ પણ તમે તમારા ઘરોમાં જમા કરો હું તમને બતાવી દઉં છું, આમાં તમારા માટે મોટી નિશાની છે જો તમે ઈમાનવાળા છો.
(૫૦) અને હું તૌરાતનું સર્મથન કરનાર છું જે મારા સામે છે, અને હું એટલા માટે આવ્યો છું કે તમારા પર કેટલીક વસ્તુને હલાલ કરું જે તમારા પર હરામ કરી દેવામાં આવી છે,[29] અને હું તમારી પાસે તમારા રબની નિશાની લાવ્યો છું એટલા માટે તમે અલ્લાહ (તઆલા)થી ડરો અને મારૂ જ અનુસરણ કરો.
(૫૧) યકીન કરો! કે મારો અને તમારો રબ અલ્લાહ જ છે, તમે બધા તેની બંદગી કરો, આ સીધો રસ્તો છે.
(૫૨) પરંતુ જયારે (હજરત) ઈસા (અ.સ.) એ તેમનો ઈન્કાર માલૂમ કરી લીધો તો કહેવા લાગ્યા, “અલ્લાહ (તઆલા) ના માર્ગમાં મારી મદદ કરવાવાળા કોણ કોણ છે?” હવારિયોએ જવાબ આપ્યો કે અમે અલ્લાહ (તઆલા)ના માર્ગમાં સહાયક છીએ,[30] અમે અલ્લાહ (તઆલા) પર ઈમાન લાવ્યા અને તમે ગવહ રહેજો કે અમે મુસલમાન છીએ.
(૫૩) હે અમારા રબ! અમે તારી ઉતારેલી વહી (ઈશવાણી) પર ઈમાન લાવ્યા અને અમે તારા રસૂલનું અનુસરણ કર્યુ, બસ હવે તું અમોને ગવાહોમાં લખી લે.
(૫૪) અને કાફિરોએ ગુપ્ત યોજના કરી અને અલ્લાહ (તઆલા)એ પણ યોજના બનાવી અને અલ્લાહ (તઆલા) બધા યોજનાકારોથી સારો છે.[31]