(૧૦૦) અને જે મુહાજીરો અને અન્સારો પહેલા છે, અને જેટલા લોકો કોઈ ગરજ વગર તેમના પેરોકાર છે,[1] અલ્લાહ તે બધાથી રાજી થયો અને તે બધા અલ્લાહથી રાજી થયા અને (અલ્લાહે) તેમના માટે એવા બગીચાઓ તૈયાર કરી રાખ્યા છે જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા રહેશે,[2] આ સૌથી મોટી કામયાબી છે.
(૧૦૧) અને કેટલાક તમારા આસપાસના બદ્.દ આરબોમાંથી અને મદીનાના રહેવાસીઓમાંથી એવા મુનાફિકો છે જેઓ નિફાક (દંભ) પર અડેલા છે, તમે તેમને નથી જાણતા,[1] અમે તેમને જાણીએ છીએ, અમે તેમને બમણી સજા આપીશું, પછી તેઓને ઘણી મોટી સજા તરફ મોકલવામાં આવશે.
(૧૦૨) અને કેટલાક બીજા લોકો છે જેઓ પોતાની ભૂલોને સ્વીકારે છે જેમણે ભળતા કર્મો કર્યા છે, કેટલાક સારા અને કેટલાક ખરાબ. અલ્લાહથી ઉમ્મીદ છે કે તેમની તૌબા કબૂલ કરે, બેશક અલ્લાહ ઘણો દરગુજર કરનાર અને દયાળું છે.
(૧૦૩) તમે તેમના માલમાંથી સદકો લઈ લો, જેના વડે તમે તેમને પવિત્ર અને સ્વચ્છ કરી દો, અને તેમના માટે દુઆ કરો, બેશક તમારી દુઆ તેમના માટે સુકુનનું માધ્યમ છે અને અલ્લાહ (તઆલા) સારી રીતે સાંભળે અને જાણે છે.
(૧૦૪) શું તેમને તેની ખબર નથી કે અલ્લાહ જ પોતાના બંદાઓની તૌબા કબૂલ કરે છે અને તે જ સદકાને કબૂલ કરે છે?[1] અને એ કે અલ્લાહ જ તૌબા કબૂલ કરવામાં અને દયા કરવામાં પરિપૂર્ણ છે.
(૧૦૫) અને કહી દો કે તમે કર્મ કરતા જાઓ, તમારા કર્મ અલ્લાહ પોતે જોઈ લેશે અને તેના રસૂલ અને ઈમાનવાળાઓ. (પણ જોઈ લેશે) અને જરૂર તમારે તેના પાસે જવાનું છે જે તમામ છુપી અને ખુલી વાતોનો જાણકાર છે, એટલા માટે તે તમને બધુ બતાવી દેશે જે તમે કરતા હતા.
(૧૦૬) અને કેટલાક બીજા લોકો છે જેમનો મામલો અલ્લાહનો હુકમ ન આવે ત્યાં સુધી સ્થગિત છે,[1] ચાહે તો તેમને સજા આપે અને ચાહે તો તેમની તૌબા કબૂલ કરી લે, અને અલ્લાહ બધુ જ જાણનાર અને હિકમતવાળો છે.
(૧૦૭) અને કેટલાક એવા છે જેમણે એવા આશયથી મસ્જિદ બનાવી કે નુક્સાન પહોંચાડે અને કુફ્રની વાતો કરે, અને ઈમાનવાળાઓમાં ફાટફૂટ પડાવે, અને એવા વ્યક્તિ માટે રોકાણની વ્યવસ્થા કરે જે પહેલાથી જ અલ્લાહ અને તેના રસૂલનો વિરોધી છે, અને કસમ ખાઈ લેશે કે ફક્ત ભલાઈ સિવાય અમારો કોઈ આશય નથી અને અલ્લાહ ગવાહ છે કે તેઓ સંપૂર્ણ જૂઠા છે.
(૧૦૮) તમે તેમાં કદી ઊભા ન રહો,[1] પરંતુ જે મસ્જિદની બુનિયાદ પ્રથમ દિવસથી જ તકવા પર મૂકવામાં આવી હોય, તે તેને લાયક છે કે તમે તેમાં ઊભા રહો,[2] તેમાં એવા લોકો છે કે તેઓ વધારે પવિત્ર રહેવાને સારૂ સમજે છે,[3] અને અલ્લાહ (તઆલા) વધારે પવિત્ર રહેનારાઓને મોહબ્બત કરે છે.
(૧૦૯) પછી શું એ માણસ સાચો છે જેણે પોતાના ઘરની બુનિયાદ અલ્લાહના ડર અને અલ્લાહની પ્રસન્નતાની પ્રાપ્તિ પર મૂકી હોય કે તે માણસ જેણે પોતાના ઘરની બુનિયાદ ઘાટીના કિનારા પર જો કે પડવા માટે જ મૂકી હોય, પછી તે તેને લઈને જહન્નમની આગમાં પડે ? અને અલ્લાહ (તઆલા) આવા જાલિમોને હિદાયત નથી આપતો.
(૧૧૦) તેમનું આ ઘર જે તેમણે બનાવ્યું છે હંમેશા તેમના દિલોમાં શંકાના કારણે (કાંટો બનીને) ખટકતું રહેશે, પરંતુ એ કે તેમના દિલોના ટુકડે ટુકડા થઈ જાય, અને અલ્લાહ ઈલ્મવાળો અને હિકમતવાળો છે. (ع-૧૩)