(૨૩) અને તમારો રબ સ્પષ્ટ હુકમ આપી ચૂક્યો છે કે તમે તેના સિવાય કોઈ બીજાની બંદગી ન કરો અને માતા-પિતા સાથે સદવર્તન કરો, જો તમારી હાજરીમાં તેમનામાંથી કોઈ એક અથવા બંને વૃધ્ધાવસ્થામાં પહોંચી જાય તો તેમને 'ઉફ' સુધ્ધાં ન કહો, તેમને ધૃત્કારશો નહિ બલ્કે તેમના સાથે આદરપૂર્વક વાત કરો.[1]
(૨૪) અને નરમાશ તથા મોહબ્બત સાથે તેમના સામે નમીને હાથ ફેલાવીને રાખો[1] અને દુઆ કર્યા કરો, “હે મારા રબ ! આમના ઉપર એવી જ રીતે દયા કર જેવી રીતે તેમણે મારા બચપનમાં મારા પાલન પોષણમાં કરી છે.”
(૨૫) જે કંઈ તમારા દિલોમાં છે તેને તમારો રબ સારી રીતે જાણે છે, જો તમે નેક બનીને રહો તો તે તૌબા કરનારાઓને માફ કરનાર છે.
(૨૬) અને રિશ્તેદારો, ગરીબો અને મુસાફરોનો હક આપતા રહો[1] અને ફુઝૂલ (બિનજરૂરી) ખર્ચથી બચો.
(૨૭) ફુઝૂલ ખર્ચ કરનારાઓ શેતાનના ભાઈ છે અને શેતાન પોતાના રબનો ઘણો નાશુક્રો(અપકારી) છે.
(૨૮) અને જો તમારે તેમનાથી મોઢું ફેરવી લેવું પડે, એ કારણે કે હજુ તમે પોતાના રબની તે કૃપાની શોધમાં છો જેની તમે ઉમ્મીદ રાખો છો, તો પણ તમને જોઈએ કે સારી રીતે અને નરમીથી તેમને સમજાવી દો.
(૨૯) અને પોતાના હાથ પોતાની ગરદનથી બાંધેલા ન રાખો, અને ન તેને પૂરી રીતે ખોલી નાખો કે પછી ધિક્કારેલા અને પછતાયેલા બેસી જાવ.
(૩૦) બેશક તમારો રબ જેના માટે ચાહે રોજી વિશાળ કરી દે છે અને જેના માટે ચાહે તંગ કરી દે છે,[1] બેશક તે પોતાના બંદાઓથી બાખબર છે અને સારી રીતે જોઈ રહ્યો છે. (ع-૩)